જૂની- જર્જરિત 22 દુકાનો 3.50થી 5.55 લાખમાં વેચાતા માત્ર 87 લાખ ઉપજ્યા

23 વર્ષ અગાઉ નડિયાદ નગરપાલિકા દ્વારા બનાવેલી દુકાનોનું કોઈ કારણોસર વેચાણ નહીં થતા આઈજી માર્ગ પર આવેલી 26 દુકાનો ભંગાર હાલતમાં ફેરવાઈ હતી.
વર્ષ 1998માં દિલીપ શેઠ પ્રમુખ હતા તે સમયે આ દુકાનો બનાવવામાં આવી હતી.
પરંતુ ત્યાર બાદના પ્રમુખોની ઈચ્છા શક્તિના અભાવે તમામ દુકાનો ભંગાર હાલતમાં ફેરવાઈ હતી.
જેની હરાજી થતાં 22 દુકાનોના માત્ર 87 લાખ ઉપજ્યા હતા.શહેરના પશ્ચિમ વિસ્તારમાં આઈ.જી. માર્ગ પર નગરપાલિકા દ્વારા 23 વર્ષ પહેલા 26 દુકાનો બનાવવામાં આવી હતી.
પરંતુ આ દુકાનોની હરાજી નહીં થતા 23 વર્ષથી આ દુકાનો ભંગાર હાલતમાં પડી રહી હતી.
ટીપી ચેરમેન વિજયભાઈ પટેલના ધ્યાન પર આ દુકાનો આવતા ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી તેની હરાજી માટે જાહેરાત આપવામાં આવી હતી.
26 દુકાનોની ખરીદી માટે 20 લોકોએ ફોર્મ ભરતા મંગળવારે હરાજી રાખવામાં આવી હતી.
જેમાં 26 પૈકી 22 દુકાનોનું વેચાણ થયું હતું. જ્યારે 4 દુકાનો લેવા કોઈ તૈયાર થયું ન હતું.
આ 4 દુકાનો અતિ ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ હોઈ કોઈ એ રસ ન દાખવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
નગર પાલિકાએ 1 દુકાન દીઠ રૂ.3.60 લાખ લઘુત્તમ કિંમત નક્કી કરી હતી.
જેની હરાજી થતાં મહત્તમ રૂ.5.55 લાખ રૂપિયા સુધી દુકાનોના ભાવ બોલાયા હતા.
પશ્ચિમ પોલીસ સ્ટેશન પાસેની 30 દુકાનો માટે 10 ફોર્મ ભરાતા હરાજી રદ્દ
પશ્ચિમ પોલીસ સ્ટેશન બાજુની 30 દુકાનોની પણ મંગળવારે હરાજી રખાઈ હતી.
પરંતુ 30 દુકાનો માટે ફક્ત 10 વ્યક્તિઓ એ જ હરાજીના ફોર્મ ભર્યા હતા.
જેથી દુકાનોની લઘુત્તમ કિંમત મળવી શક્ય ન હોઈ તે હરાજી રદ્દ રાખવામાં આવી હતી.
હવે આગામી સમયમાં નવા લગુત્તમ ભાવ નક્કી કરી ફરીથી હરાજી ગોઠવવામાં આવશે. – રૂદ્રેશ હુદળ, ચીફ ઓફિસર, નડિયાદ