મીઠાઈમાંથી મરેલી કીડી નીકળવા બદલ વેપારીને 7 વર્ષે રૂ.1 લાખ દંડ

કુબેરનગરમાં અરૂણ સ્વીટ્સ નામે દુકાન ચલાવી મીઠાઇનું વેચાણ કરતાં વિનોદ સાધવાણીની મીઠાઇમાં મરેલી કીડી અને તેના લેબોરેટરી તપાસના અહેવાલો બાદ થયેલી
ફરિયાદમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ શિલ્પા કાનાબારે વેપારીને 6 માસની સાદી કેદ તથા 1 લાખનો દંડ ફટકાર્યો છે.
સરકારી વકીલ મનોજ ખંધારે જણાવ્યું કે, મ્યુનિ.ના ફૂડ સેફ્ટી ઓફિસરે 15 જુલાઇ 2015ના રોજ અરૂણ સ્વીટ્સ નામની દુકાનેથી તપાસ માટે નમૂના લીધા હતા.
જેમાં બે જીવતી અને બે મરેલી કડી મળી હતી.
લેબોરેટી તપાસ કરતાં હકીકત બહાર આવી હતીકે, સામાન્ય રીતે કોઇપણ ખાદ્યપદાર્થમાં ફૂડ કલરની માત્રા 100 પીપીએમ જેટલી મહત્તમ હોવી જોઇએ.
જોકે લેબોરેટરી તપાસમાં એવું જણાયું હતુંકે, તેમાં 115.59 પીપીએમ કલરની માત્રા હતી.
તે ઉપરાંત આ ફૂડ પેકેટ પર ન્યુટ્રિશનલની વિગતો, પેકર્સ, મેન્યુફેક્ચરર તથા ઇમ્પોર્ટસનું નામ પણ લખ્યું ન હતું.
જે ધ્યાને લઇ વેપારી સામે અનસેફ અને મિસબ્રાન્ડેડ ખોરાક બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી.
તમામ દલીલો ધ્યાને લઇ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ શિલ્પા કાનાબારે વિનોદ સાધવાણીને 6 માસની કેદ તથા 1 લાખનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ 2 માસની સજાનો હુકમ કર્યો છે.
