અમદાવાદમાં એક સપ્તાહમાં 40 હજાર કિંમતની ત્રણ, 35 હજારની 8, 25 હજારની 10 સ્કોચ-વ્હિસ્કીનું વેચાણ

દિવાળી પહેલાના એક અઠવાડિયામાં જ શહેરમાં આવેલી પરમિટની 21 લીકર શોપમાંથી 40 હજારની કિંમતની જ્હોની વોકર બ્લ્યુ લેબલની ત્રણ, રૂ.35 હજારની કિંમતની રોયલ સેલ્યુટ અને ગ્રાન્ટ લીવીટની 8, 25 હજારની કિંમતની ગ્લેન ફિડિચ સ્કોચ વ્હિસ્કીની 30 અને રૂ.21 હજારની કિંમતની જ્હોની વોકરની 10 બોટલનું વેચાણ થયું છે.
છેલ્લા એક સપ્તાહમાં જ પરમિટની લીકર શોપમાંથી લોકોએ 10થી 25 હજાર સુધીની લીકરની 255 બોટલની ખરીદી કરી છે.
અમદાવાદમાં 13,353 પુરુષ અને 395 મહિલા લીકરની પરમિટ ધરાવે છે.
21 લીકર શોપમાંથી વ્હિસ્કી ઉપરાંત રમ, બ્રાન્ડી, વાઈન, વોડકા અને બીયરની પણ ધૂમ ખરીદી થઈ છે.
એક લીકર શોપના માલિકના જણાવ્યા અનુસાર રૂ.200થી 300 સુધીના કિંમતના બિયરના 10 હજાર ટીનનું વેચાણ થયું છે.
આ ઉપરાંત 1500થી માંડી 10 હજાર સુધીની શેમ્પેઈનની 50 બોટલનું વેચાણ થયું છે.
છેલ્લા 3 દિવસમાં જ બિયરના 5 હજારથી વધુ ટીનનું વેચાણ થયું છે.
કોરોનાને કારણે ગત વર્ષે લીકરના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો.
જો કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અંદાજે 30થી 40 ટકા વેચાણ વધુ થયું છે.
ટોનિક વાઈન તરીકે ઓળખાતી વિનકાર્નિસની ભારે ડિમાન્ડ
વિનકાર્નિસ નામના ટોનિક વાઈનની આ વખતે ખૂબ ડિમાન્ડ છે.
હર્બલ વાઈન તરીકે ઓળખાતી આ વાઈન ઈમ્યુનિટી વધારતી હોવાની લોકોમાં માન્યતા છે.
યુરોપના દેશોના ડોક્ટરો આ વાઈન પ્રિસ્કાઈબ કરે છે.
25 વર્ષમાં પહેલીવાર 3 હજારની કિંમતની આ વાઈનની આટલી મોટી ડિમાન્ડ નીકળી છે.