બાબુ દાઢીના જુગારના અડ્ડા પર પડ્યા રહેતા 20થી વધુ પોલીસકર્મી પર તવાઈ

દરિયાપુરના મનપસંદ જિમખાનામાં પડ્યા પાથર્યા રહેતા ક્રાઈમ બ્રાંચના 60 સહિત શહેરના 100 પોલીસ કર્મચારીને સ્ટેટ મોનિટરિંગ સેલે નોટિસ આપી પૂછપરછ માટે બોલાવ્યા હતા.
જ્યારે તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાબરમતીમાં ધમધમતા બાબુ દાઢીના જુગારના અડ્ડા પર દરોડો પાડીને 4 પોલીસ કર્મચારી સહિત 12 જણને પકડ્યા હતા.
જોકે બાબુ દાઢીના જુગારના અડ્ડા પર પણ શહેરનાં 2 ડઝન કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ પડ્યા પાથર્યા રહેતા હતા,
જેથી તેમની ઓળખ કરી તેમને પૂછપરછ માટે ગાંધીનગર બોલાવામાં આવશે.
સાબરમતી રેલવે કોલોની 2ના મકાનમાં ચાલતા બાબુ દાઢીના જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે શુક્રવારે દરોડો પાડ્યો હતો.
ત્યાંથી ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ચંપાવત, નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ચૌહાણ, કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા કિશોરસિંહ ઝાલા, ખેડાના પીએસઆઈ દર્શનકુમાર પરમાર સહિત 12 જુગાર રમતા પકડાયા હતા.
આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલે બાબુ દાઢી સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
જોકે હજુ બાબુ દાઢી પકડાયો ન હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.
પીએસઆઈ સહિત 12 આરોપીના જામીન ફગાવાયા
બાબુ દાઢીના જુગારના અડ્ડા પરથી પકડાયેલા પીએસઆઈ સહિતના 12 આરોપીના જામીન ગ્રામ્ય કોર્ટે ફગાવ્યા છે.
કોર્ટે અરજી ફગાવતાં અવલોકન કર્યંુ હતું કે, સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શીરે છે
તેવા પોલીસ અધિકારીઓ જ ગુનાહિત કામો કરતા હોય ત્યારે તેમને જામીન મુક્ત કરી શકાય નહિ.