કડાણા આદિવાસી સમાજના લોકોમાં જાતિનું પ્રમાણપત્ર ન મળતા આક્રોશ; લુણાવાડા ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને રેલી યોજી કલેક્ટરને આવેદન પાઠવ્યું

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આદિવાસી સમાજને જાતિ અંગેનું પ્રમાણપત્ર ન મળતું હોવાથી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આદિવાસી સમાજના આગેવાનો અગ્રણીઓ જિલ્લા મુખ્ય મથક લુણાવાડા ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા
અને ભારે સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા
અને જિલ્લા કલેક્ટર ડો.મનીષ કુમાર બંસલને આવેદનપત્ર પાઠવ્યું હતું.
પાંચ દિવસમાં યોગ્ય ન્યાય નહિ મળે તો આંદોલન કરવાની ચીમકી
કડાણા આદિવાસી સમાજના લોકો આજે કડાણા તાલુકા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા
અને કડાણા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ત્યારબાદ તેમણે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવીને સર્કિટ હાઉસ સંતરામપુર રોડ ખાતેથી કલેક્ટર કચેરી સુધી ભારે સુત્રોચ્ચાર સાથે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં તેમણે જણાવ્યું હતું કે સમાજના 300થી વધુ યુવાનો પરીક્ષા પાસ કર્યા છતાં નોકરીથી વંચિત છે.
આ અંગે વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ નિરાકરણ ન આવતાં સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે તેમને યોગ્ય ન્યાય નહિ મળે તો વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને તાલુકામાં પ્રવેશવા દેવામાં આવશે નહિ.
તેમજ તાલુકામાં ચૂંટણી બહિષ્કાર કરવા સુધીના પગલાં તેઓ દ્વારા લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.
ઉપરાંત પાંચ દિવસમાં જો યોગ્ય ન્યાય નહિ મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ પર બેસવાની પણ જાહેરાત કરવામાં આવી છે.