પૂર્વ વિસ્તારમાં અઢી લાખ લોકોને કાલે સાંજે, બુધવારે સવારે પાણી નહિ મળે

મંગળવારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા પરિવાર ચાર રસ્તા નજીક આજવા તરફથી આવતી અને રાયકા દોડકા તરફથી આવતી બે લાઈનોનું જોડાણ કરવાની કામગીરી કરવામાં આવશે.
જેને પગલે મંગળવારે સાંજે અને બુધવારે સવારે પૂર્વ અને દક્ષિણ વિસ્તારના 2.50 લાખ લોકોને પાણી નહિ મળે.
વડોદરા મહાનગર પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં પરીવાર ચાર રસ્તા પાસે 900 મીમી વ્યાસની BWSC ફીડર લાઈનનું 750 મીમી વ્યાસની નાલંદા તરફ જતી H.S ફીડર લાઇન સાથે જોડાણ કરવાના કામે આજવા-નિમેટા તરફથી આવતી BWSC ફીડર લાઇન પ૨ 11 ઓક્ટોબરે જોડાણ કરવાની કામગીરી કરવામાં આવશે.
આ કામગીરીને પગલે આજવાની મુખ્ય ફીડર લાઈનનું શટડાઉન લેવાનું હોવાથી બાપોદ ટાંકી, કપુરાઇ ટાંકી, તરસાલી ટાંકી, દંતેશ્વર બૂસ્ટર, સોમા તળાવ બૂસ્ટર, મહાનગર બૂસ્ટર ખાતેથી તારીખ 11 ઓક્ટોબર મંગળવારના રોજ સાંજે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.
જ્યારે લાલબાગ ટાંકી ખાતેથી સાંજે હળવા દબાણથી પાણી વિતરણ કરવામાં આવશે.
જ્યારે તારીખ 12મી ઓક્ટોબર બુધવારના રોજ પણ બાપોદ ટાંકી, કપુરાઇ ટાંકી, તરસાલી ટાંકી, દંતેશ્વર બૂસ્ટર, સોમાતળાવ બૂસ્ટર અને મહાનગર બૂસ્ટર ખાતેથી સવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં.
જ્યારે સાંજે હળવા દબાણથી તથા વિલંબથી તેમજ ઓછા સમય માટે પાણી વિતરણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, એક તરફ તહેવાર નજીક આવી રહ્યો છે
જેના કારણે મોટાભાગની ગૃહીણીઓ હાલ ઘરના સાફ સફાઇની કામગીરીમાં વ્યસ્ત છે
ત્યારે બે લાઇનની જોડાણની કામગીરીના કારણે બે દિવસ સુધી વિવિધ વિસ્તારમાં પાણી ન મળે તેવી સ્થિતિ સર્જાઇ છે
અને તેના કારણે કાસ કરીને મહિલાઓમાં બારે રોષ ફેલાય તેવી સંભાવના છે.