આર્મી જવાનને પિતરાઈ બહેન સાથે અવૈધ સંબંધો હોવાનો પત્નીએ ભાંડો ફોડયો, મામાની દીકરી સાથે લગ્ન કરાવવા સાસરિયા પણ તૈયાર થઈ ગયા

ગાંધીનગરના લેકાવાડાની યુવતીને અરવલ્લીનાં આર્મી જવાન સાથે લગ્ન કરીને પસ્તાવાનો વખત આવ્યો છે.
લગ્ન પહેલાંથી જ પતિને કુટુંબી મામાની દીકરી સાથે અવૈધ સંબંધો હોવાનો ભાંડો ખુદ પત્નીએ વોચ ગોઠવીને ફોડી નાખવા આવ્યો હતો.
ત્યારે સાસરિયાઓ પણ આર્મી જવાન અને પિતરાઈ બહેન વચ્ચેનાં અવૈધ સંબંધોથી વાકેફ હોવાની પણ જાણ થતાં પરિણીતાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આખરે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ અને તેની પ્રેમિકા સહિત આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
શ્રીનગર ખાતે આર્મીમાં ગનર તરીકે ફરજ બજાવતો પતિ રજાઓમાં ઘરે આવતો
ગાંધીનગરના લેકાવડા ગામે હાલમાં પિયરમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018 માં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાદર ગામ રહેતા આર્મી જવાન સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા.
લગ્ન પછી પરિણીતા સાસરીમાં રહેવા માટે ગઈ હતી.
ત્યારે શ્રીનગર ખાતે આર્મીમાં ગનર તરીકે ફરજ બજાવતો પતિ રજાઓમાં ઘરે આવતો હતો.
છતાં પણ પરિણીતાની અવગણના કરતો હતો.
તો લગ્નના થોડા વખતમાં પતિ સાસુ સસરા, દિયર દેરાણી મહેણાં ટોણાં મારવા લાગ્યા કે નોકરી વાળો છોકરો મળ્યો તોય દહેજમાં કશું લાવી નથી.
બંન્નેનું વર્તન અજુગતું લાગતા પરિણીતાએ વોચ ગોઠવી નજર રાખવાનું શરૂ કર્યું
જો કે ઘર સંસાર તૂટે નહીં પરિણીતા ત્રાસ સહન કરતી રહેતી હતી. પરંતુ પતિ જયારે જયારે રજા ઉપર ઘરે આવતો ત્યારે કુટુંબી મામાની દીકરી રહેવા આવી જતી હતી.
અને બંન્નેનું વર્તન અજુગતું લાગતા પરિણીતાએ વોચ ગોઠવી નજર રાખવાનું શરૂ કર્યું હતું.
એવામાં તેના હાથમાં પતિનો મોબાઇલ આવી જતાં ભાઈ બહેન વચ્ચે અવૈધ સંબંધો હોવાના પુરાવા બહાર આવી ગયા હતા.
આ મુદ્દે તેણીએ સાસુ-સસરા, દિયર દેરાણીને વાત કરેલ તો તેઓએ જણાવેલ કે, તારા પતિને પહેલેથી જ સાથે પ્રેમ સબંધો હોઇ તેને પત્ની તરીકે રાખવા ઇચ્છે છે.
તારે રહેવું હોય તો નોકરાણીની જેમ રહે. આ શબ્દો સાંભળીને પરિણીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
કેમકે કુટુંબી બહેન સાથે આડા સંબંધોની જાણ સાસરિયાને અગાઉથી હતી.
સાસરિયાનો સપૉર્ટ મળતા આર્મી જવાન બેફામ બનીને પિતરાઈ બહેનને પત્નીની જેમ રાખતો
આ બાબતે પતિ સાથે પણ વાત કરતાં તેણે પણ કોઈ દરકાર કરેલ નહીં.
ઊલટાનું સાસરિયાનો સપૉર્ટ મળતા આર્મી જવાન બેફામ બનીને પિતરાઈ બહેનને પત્નીની જેમ ઘરમાં રાખવા લાગ્યો હતો.
આથી કંટાળીને પરિણીતા નાના નાની પાસે રહેવા જતી તો એ લોકો પણ તને છૂટી કરી દઈ કુટુંબી બહેન સાથે પતિના લગ્ન કરાવવાનું કહી ત્રાસ આપતા હતા.
આમ, પતિ ની કરતૂત જાણવા છતાં સાસરિયા છુટાછેડા આપી દેવા દબાણ કરી દહેજ માંગવા લાગ્યા હતા.
જ્યારે પતિની કુટુંબી બહેન પણ ગમે તેમ અપશબ્દો બોલતી હતી.
સમાધાનના પ્રયાસો કરવા છતાં આર્મી જવાન પતિ સુધર્યો નહીં
ત્યારે આજથી આશરે દોઢેક વર્ષ અગાઉ પતિ મોબાઇલ ઉપર વાત કરતો હોઇ પરિણીતાએ પૂછતાંછ કરી હતી.
જેથી તે એકદમ ઉશકેરાઇ જઇ થપ્પડો મારવા લાગ્યો હતો.
બાદમાં પરિણીતા પિયર રહેવા આવી ગઈ હતી.
જો કે સમાધાનના પ્રયાસો કરવા છતાં આર્મી જવાન પતિ નહીં સુધારતા આખરે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ અને તેની પ્રેમિકા સહિતના આઠ સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની નોબત આવી છે.