‘તારા વિના શ્યામ મને એકલડું લાગે..’ યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં એકસાથે 40 હજાર ખેલૈયા ગરબે ઘૂમ્યા
કોરોનાકાળ બાદ રાજ્યભરમાં યોજાઈ રહેલા મોટા ગરબાઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે,
ત્યારે દિવ્ય ભાસ્કર તમને બતાવવા જઈ રહ્યું છે ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબાનાં આકાશી દૃશ્યો…
યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં સાતમા નોરતે 40 હજારથી વધુ ખેલૈયા એકસાથે ગરબે ઘૂમ્યા હતા.
જાણીતા ગાયક અતુલ પુરોહિતે પોતાના સ્વરના તાલે ખેલૈયાઓને ડોલાવ્યા હતા.
ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા
સાતમા નોરતે જ વડોદરા શહેરનાં જુદાં-જુદાં ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ ઊમટી પડ્યા હતા.
ટ્રેડિશનલ ડ્રેસમાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યાં હતાં.
વડોદરા શહેરના યુનાઇટેડ વેના ગરબા મહોત્સવમાં સાતમા નોરતે અદભુત દૃશ્યો સર્જાયાં હતાં.
આ ઉપરાંત વડોદરાનાં તમામ ગરબા ગ્રાઉન્ડ્સમાં ખેલૈયાઓએ જોરદાર ઉત્સાહ બતાવ્યો હતો.
અતુલ પુરોહિતે ઘેલું લગાડ્યું
કલાનગરીના વડોદરાના ગરબા વિશ્વમાં જાણીતા છે.
રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થઇને ગરબા મેદાનમાં લાઇનબંધ રીતે ગરબે ઘૂમવાની પરંપરા હજી વડોદરાના ખેલૈયાઓએ જાળવી રાખી છે.
અતુલ પુરોહિતની ગાયકીના તાલે યુનાઇટેડ વેના ગરબાએ વડોદરાવાસીઓને ઘેલું લગાડ્યું છે.
આ ગરબા શરૂ થતાંની સાથે જ 40 હજારથી વધુ ખેલૈયાથી ઊભરાતા ગ્રાઉન્ડના ડ્રોન વીડિયોમાં અદભુત નજારો જોવા મળ્યો હતો.