દાહોદના 9 ખેલાડી નેશનલ ગેમ્સમાં કૌવત બતાવશે

ગુજરાતમાં 29મી સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન નેશનલ ગેમ્સનું આયોજન થઇ રહ્યું છે.
જેમાં કોમનવેલ્થથી લઇ ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં ભાગ લેવાના છે.
ગુજરાતમાં યોજાનારી 36મી નેશનલ ગેમ્સમાં દેશના 33 રાજ્યોના 6500થી વધુ ખેલાડીઓ ભાગ લેવા ગુજરાત આવશે.
જેમાં સૌથી વધુ ગુજરાતના 696 ખેલાડીઓ ભાગ લેવાના છે.
આ ગુજરાતના ખેલાડીઓમાં દાહોદ જિલ્લાના ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતાં દાહોદ જિલ્લાના ખેલાડીઓ રગ્બી, શુટિંગ અને એથલેક્ટીક્સની ગુજરાતની ટીમમાં પસંદગી બાદ તેઓ નેશનલ ગેમ્સમાં પોતાનું કૌવત બતાવવા આતુર છે.
આ ખેલાડીઓમાં જિલ્લાની એક યુવતિ રગ્બીની મહિલા ટીમની કોચ તરીકે, બે છોકરા રગ્બીની પુરૂષ ટીમમાં, એક છોકરી રગ્બીની મહિલા ટીમમાં, ત્રણ છોકરી એથલેટીક્સની ટીમમાં,
એક છોકરો એથલેટીક્સની ટીમમાં અને એક છોકરી શુટિંગ સ્પર્ધા માટે ગુજરાત તરફથી પસંદગી પામી છે.
ખલતા ગામના ભાઇ-બહેન સહિત 3 ખેલાડીઓ રગ્બીની ગુજરાતની ટીમોમાં રમશે, દાહોદની યુવતી છે આસિ.કોચ, ત્રણે ખેલાડીઓએ રગ્બીની રમતમાં મહારથ હાંસલ કરી છે
વિદેશી ગણાતી રગ્બીની ગુજરાતની મહિલા અને પુરૂષોની ટીમમાં ધાનપુર તાલુકાની એક યુવતિ અને બે યુવકની પસંદગી થઇ છે.
ધાનપુર તાલુકાના ખલતા ગામના સુનીલ રમેશ ભુરિયા અને મનીષા રમેશ ભુરિયા સગા ભાઇ બહેન છે.
હાલમાં ડીપીઇએસ કરતાં સુનીલ તેમજ ઝાબુ ગામમાં રહેતાં રાહુલ દીનેશ બારિયાની ગુજરાતની રગ્બીની ટીમમાં સમાવેશ થયો છે.
12માં ધોરણમાં ભણતી મનીષાની રગ્બીની ગુજરાતની મહિલા ટીમમાં પસંદગી થઇ છે.
આ ત્રણે યુવક-યુવતીએ ગાંધીનગર ખાતે અભ્યાસ સાથે રગ્બીની રમત ઉપર પસંદગી ઉતારીને તેમાં મહારથ હાંસલ કરતાં તેમનો સમાવેશ કરાયો છે.
આ સાથે રગ્બીની નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પોતાનું કૌવત બતાવનારી ગરબાડાના તાલુકાના ગુંગરડીની વતની અને હાલ દાહોદની જીવનદીપ સોસાયટીમાં રહેતી ડીમ્પલ રાઠોડ તો રગ્બીની ગુજરાતની મહિલા ટીમની આસિસ્ટન્સ કોચ છે.
ડીમ્પલબેન છેલ્લા એક માસથી ગોધરામાં ગુજરાતની રગ્બીની ટીમને પ્રેક્ટિસ કરાવી રહી હતી.
યશાયા ટ્રેપ શૂટિંગમાં ગુજરાત માટે ગોલ્ડ પર નિશાન સાધશે, ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલની ઉપલબ્ધિ
અમદાવાદમાં યોજાનાર નેશનલ શુટિંગ સ્પર્ધામાં ટ્રેપ શૂટિંગની ઇવેન્ટમાં પુરૂષ અને મહિલા વિભાગમાં દેશમાંથી કુલ 16-16 ખેલાડીઓ ભાગ લેશે.
તેમાં આ વખતે દાહોદ શહેરની 16 વર્ષિય યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર પણ ટ્રેપ શુટિંગમાં ભાગ લેશે.
યશાયાએ સાવલી તાલુકા રાઇફલ એસો. વડોદરાથી ટ્રેપ શૂટિંગ રેન્જમાં પોતાની શૂટિંગ યાત્રાની શરૂઆત કરી હતી.
38મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ સ્પર્ધા 2019માં ટ્રેપ ડબલ અને ડબલ ટ્રેપ જુનિયાર, સિનિયર અને ટીમ ઇવેન્ટમાં 1 ગોલ્ડ,2 સિલ્વર અને ત્રણ બોન્ઝ મળી છ મેડલ મેળવ્યા હતાં.
આ સાથે 2021માં પેરૂલીમા ખાતે જુનયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ તેણે શોટગન ઇવેન્ટમાં જુનિયર મહિલા ડબલ ટ્રેપ ગ્રાન્ડ પ્રિક્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.
નેશનલ ગેમ્સમાં 3થી 5 ઓક્ટોબરે યશાયા ટ્રેપ શૂટિંગ ઇવેન્ટમાં ભાગ લેશે.
એથલેટિક્સ ટીમમાં દાહોદની 3 યુવતી, 1 યુવકનો સમાવેશ
અમદાવાદમાં થનારી એથલેટિક્સ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લાના નાના ગામ અને નગરના યુવક યુવતીઓનો તેમાં સમાવેશ થયો છે.
એથલેટિક્સની ગુજરાતની ટીમમાં ભોરવા ગામની ભાગ્યશ્રી નવલે, દે.બારિયાની રીના પટેલ, રણધિકપુરનો બાબુ બરજોડ અને ધાનપુરની કાજલ કનવડે નેશનલ એથલેટિક્સ સ્પર્ધામાં ભાગ લઇ દાહોદને ગૌરવવંતુ બનાવશે.