ઇન્દ્રોડાના યુવકના મર્ડર કેસમાં હત્યારા પોલીસના હાથવેંતમાં

નવા સચિવાલયના ગૃહ વિભાગમા રોજમદાર તરીકે નોકરી કરતા ઇન્દ્રોડાનુ યુવકનુ સોમવારે ગોળી મારી સવારના સમયે ઢીમ ઢાળી દેવામાં આવ્યુ હતુ.
પલસર બાઇક ઉપર આવેલા બે શખ્સો ગોળી મારી ફરાર થઇ ગયા હતા.
આરોપીઓને પકડવા પોલીસ 48 કલાકથી દોડી રહી છે.
મહેસાણાનો વિસ્તાર ખૂંદી નાખ્યો છે.
ત્યારે આરોપીઓ પોલીસના હાથ વેંતમાં હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
તમામ ટીમને અલગ અલગ વિસ્તારમાં દોડાવવામાં આવી
બિરસા મુંડા ભવન પાસેના રસ્તા ઉપર સોમવારે સવારે ઇન્દ્રોડાના યુવક કિરણજી વિરાજી મકવાણા (ઠાકોર)ની હત્યા કરાઇ હતી.
હત્યાના બનાવ બાદ ગાંધીનગર પોલીસ એક્શન મોડ ઉપર આવી ગઇ હતી
અને સીસીટીવી કેમેરા સહિત ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી.
જેમા એલસીબી 1 અને 2, એસઓજી અને સેક્ટર 7 પોલીસની ટીમ જોડાઇ હતી.
તમામ ટીમને અલગ અલગ વિસ્તારમાં દોડાવવામાં આવી હતી.
જેમા એક ટીમને મહેસાણા તરફ મોકલવામાં આવી હતી.
પોલીસના હાથ આરોપીઓના ગળા સુધી પહોંચી ગયા
સીસીટીવીના આધારે તપાસ કરતા પોલીસ મહેસાણા સુધી પહોંચી હતી.
જેમા હત્યારાઓ સુધી પોલીસ પહોંચી હોવાનુ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
તે ઉપરાંત મૃતકના પરિવારના પત્ની સહિતના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા છે.
જ્યારે મર્ડર બાબતે પોલીસ પ્રેમ પ્રકરણ, જમીન બબાલ, કચેરીમાં કોઇ બબાલ સહિતની બાબતો ઉપર તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન પોલીસના હાથ આરોપીઓના ગળા સુધી પહોંચી ગયા હોવાનુ સામે આવી રહ્યુ છે.