વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં ખેલૈયાઓને પગમાં કાંકરા વાગતા પથ્થર પથ્થરના નારા લાગ્યા, ખેલૈયા 1 કિ.મી ખુલ્લા પગે ચાલ્યા

વડોદરામાં યુનાઇટેડ વે દ્વારા ગુજરાતના સૌથી મોટા ગરબાનું આયોજન કરવામાં આવે છે.
જોકે, આ વર્ષે વડોદરા શહેરના યુનાઇટેડ વેના ગરબનું મેદાન બદલાતા મેનેજમેન્ટ પણ બગડ્યું હોવાનો ઘાટ સર્જાયો છે.
પ્રથમ નવરાત્રિએ જ ખેલૈયાઓને ખુલ્લા પગે ગરબા રમવાનું હોવાથી કાંકરા અને પથ્થર વાગતા પથ્થર પથ્થરના નારા લગાવ્યા હતા.
જેનો વીડિયો પણ વાઇરલ થયો છે.
સાથે પીવાના પાણીની બોટલો લેવા માટે પણ રીતસરની પડાપડી સર્જાઇ હતી.
ખેલૈયા હેરાન-પરેશાન
દેશ સહિત વિદેશમાં પણ ગરબા માટે વડોદરા જાણીતું છે અને તેમાં પણ વડોદરાના યુનાઇટેડ વેના ગરબા સૌથી વધુ પ્રખ્યાત છે,
ત્યારે આ વર્ષે યુનાઇટેડ વે દ્વારા ગરબાનું મેદાન ગોરવાના ભાઇલાલ અમીન હોસ્પિટલની બાજુના મેદાનથી બદલી અને શહેરના છેવાડે અટલાદરાના એમ.એમ.પટેલ ફાર્મમાં લઇ જવાતા સમગ્ર મેનેજમેન્ટ બગડ્યું હોય તેવી સ્થિતિ પ્રથમ નવરાત્રિએ બની હતી.
યુનાઇટેડ વેના ગરબાના મેદાનમાં કોઇપણ ખેલૈયાને જૂતાં-ચપ્પલ પહેરી એન્ટ્રી ન હોવાથી લોકો પોતાના વાહનમાં જ પગરખાં મુકી આવે છે.
જેથી એમ.એમ.પટેલ ફાર્મ પહોંચેલા ખેલૈયાઓને ટ્રાફિકના કારણે એક કિલોમીટર દૂર વાહન પાર્ક કરી રોડ પર તેમજ ખુલ્લા ખેતરોમાં ઉઘાડા પગે ચાલવાનો વારો આવ્યો હતો.
પથ્થર… પથ્થરના નારા લાગ્યા
આટલી મુશ્કેલીઓ ઓછી હોય યુનાઇટેડ વે દ્વારા એમ.એમ. પટેલ ફાર્મમાં ખેતરમાં મેદાન બનાવવામાં આવ્યું હોવાથી ખેલૈયાઓમાં પગમાં કાંકરા અને પથ્થર વાગ્યા હતા.
જેથી ખેલૈયાઓએ રીતસરના મેદાનમાં જ પથ્થર પથ્થરના નારા લગાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો છે.
પાણી માટે પડાપડી
ગરબામા વચ્ચે વિરામ પડતાં ખૈલેયા ફૂડ સ્ટોલમાં પાણી ખરીદવા ગયા તો ત્યાં પણ એટલી બધી અવ્યવસ્થા સર્જાઇ હતી કે, પાણી ખરીદવા માટે રીતસરની ધક્કામુક્કી અને પડાપડી થતી હતી.
પાર્કિંગના નામે 50 રૂપિયાની ઉઘરાણી
યુનાઇટેડ વે દ્વારા પુરુષ ખેલૈયાઓ પાસેથી 5 હજાર રૂપિયા અને મહિલાઓ પાસેથી 1300 રૂપિયાની ફી લેવામાં આવી છે.
છતાં પણ કાર પાર્કિંગની કોઇ વ્યવસ્થા નથી. કાર પાર્કિંગ માટે 50 રૂપિયાની ફી ખાનગી પાર્કિંગ સર્વિસ પ્રોવાઇડર શ્રી સાંઇ સર્વિસસિ દ્વારા ઉઘરાવવામાં આવી રહી છે.
જેના કારણે ખેલૈયાઓમાં કચવાટ છે કે, ગરબા રમવાની આટલી ફી આપ્યા બાદ પણ પાર્કિંગના અલગથી રૂપિયા આપવા પડે છે.
આ પાર્કિંગમાં પણ ખુલ્લા અને ઉબડખાબડ ખેતરમાં કરાવવામાં આવી રહ્યું.
જો કોઇ નવ દિવસ કાર લઇને આવે તો તેને 450 રૂપિયા તો પાર્કિગના જ ચુકવવાના થાય અને તેની સાથે પાણી અને નાસ્તાના રૂપિયા તો અલગથી થવાના. તેની સાથે મેદાન પણ કાંકરા અને પથ્થરવાળું છે.
એક કિલોમીટર ટ્રાફિકજામ
પહેલા જ દિવસે અટલાદરા બ્રિજથી એમ.એમ. પટેલ ફાર્મ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.
જેથી ઘણા ટુ-વ્હીલર ચાલકો તો રોડની સાઇડમાં જગ્યા મળી ત્યાં વાહન પાર્ક કરીને ગરબાના મેદાન સુધી ચાલીને પહોંચ્યા હતા.
ગરબા સ્થળે પાસ લેવા હોય તો ફક્ત કેશ
યુનાઇટેડ વે ના ગરબાના પાસ લેવા માટે અનેક યુવક અને યુવતીઓ એમ.એમ.પટેલ ફાર્મ ખાતેના કાઉન્ટર પર પહોંચ્યા હતા.
પરંતુ આ પાસ માટે રોકડા રૂપિયે જ અપાતા હોવાથી યુવાનો મૂંઝાયા હતા
કારણ કે આટલા રૂપિયા રોકડા તેઓ લઇને આવ્યા ન હતા
અને ઓનલાઇન પેમેન્ટથી રૂપિયા સ્વિકારવામાં આવતા ન હતા.
જેમાં મિત્રો સાથે આવેલી સારા ઘરની એક યુવતીને પાસ ખરીદવા હતા પણ રોકડા રૂપિયા ન હતા તો ત્યાં હાજર લોકોને વિનંતી કરતી હતી કે, તમે મને રોકડા રૂપિયા આપો હું તમને પેટીએમ કરી દઉ પણ અનેક લોકો તેને પૈસા આપવાનો ઇનકાર કરતા તેને શરમમાં મુકાવા જેવી સ્થિતિ થઇ હતી.
ધુળિયો માર્ગ અને એન્ટ્રીમાં જ ખાડા
એમ.એમ.પટેલ ફાર્મમાં ગરબાના મેદાનમાં જવાનો માર્ગ ખેતરમાં બનાવવામાં આવ્યો હોવાથી ધુળિયો માર્ગ તો હતો જ. સાથે ગરબામાં પાસ બતાવી એન્ટ્રી લેવાની જગ્યાએ જ બે ફૂટ ઉંડા ખાડા ખોદેલા છે.
જેથી કોઇને પણ પગે ઇજા થઇ શકે છે.