પાવાગઢ યાત્રાધામમાં સાફસફાઈના અભાવે ઠેર ઠેર ગંદકી અને કચરોના ઢગ, દુર્ગંધથી યાત્રાળુઓ હાલાકીમાં મુકાયા

પવિત્ર યાત્રાધામ અને વિકાસ બર્ડ દ્વારા દોઢસો કરોડ જેટલો ખર્ચ કરી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનો વિકાસ કરવામાં આવ્યો છે.
આ વિકાસને કારણે અહીં આવતા યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો પણ ચોક્કસ થયો છે.
ત્યારે આજે વિકાસ અને સુવિધાઓ યાત્રાળુઓ માટે ઉભી કરવામાં આવી છે, તેમ સ્વચ્છતા ક્યાંય જોવા મળતી નથી.
નિયમિત સાફસફાઈ માટેનું આયોજન છે, પણ કામગીરી નહીં થતા આજે પહેલા નોરતે અહીં આવેલા યાત્રાળુઓ દુર્ગંધ મારતી ગંદકી અને કચરાના ઢગલા ઉપર ચાલીને માતાજીના દર્શને પહોંચ્યા હતા.
સ્વચ્છ ભારત અભિયાનના ગાંધી ચશ્મામાં આજે મહાકાળી ધામ પાવાગઢને જોતા ભારત જોવા મળ્યું પણ સ્વચ્છતા ક્યાંય જોવા મળી ન હતી.
સ્વચ્છતાના અગ્રહી પ્રધાનમંત્રીના ગુજરાતમાં આવેલ પાવાગઢ શક્તિપીઠમાં આજે લાખો યાત્રાળુઓ ગંદકી અને કચરાના ઢગ વચ્ચે મહાકાળી માઁના પહેલા નોરતાના દર્શને પહોંચ્યા હતા.
રાજ્ય ભરના પવિત્ર યાત્રાધામો સ્વચ્છ રાખવાના નિર્દેશ છતાં પાવાગઢમાં માચી સહીત અનેક સ્થળો ઉપર પારાવાર ગંદકીની સાફસફાઈ કરાવવામાં પંચમહાલ જિલ્લા તંત્ર નિષ્ફળ રહ્યું છે.
નવરાત્રી દરમ્યાન પાવાગઢ ખાતે 40 લાખથી વધારે શ્રાધ્ધળુઓ અહીં આવે તેવી સંભાવનાઓ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની સુવિધાઓ, સલામતી માટે સંકલન કરી કામગીરી કરી હોવા છતાં પાવાગઢ ગંદકી અને કચરાથી ઉભરાયેલું જ જોવા મળ્યું હતું.
નવરાત્રી અગાઉ અને નિયમિત સાફસફાઈ માટે રાખેલા 75 જેટલા સફાઈ કામદારો દ્વારા નિયમિત કામગીરી કરવામાં નહીં આવતા માચીમાં જાહેર માર્ગો ઉપર પણ પારાવાર ગંદકી અને કચરો પડેલો હોય છે.
આજે પહેલા નવરાત્રીએ પણ માઇભક્તો જાહેર રસ્તાઓ ઉપર પડેલા કચરા અને સાઈડો ઉપર ખુણા ખાંચરે દુર્ગંધ મારતી ગંદકી વચ્ચે પસાર થઈ દર્શન કરવા પહોંચ્યા હતા.