પાટણની સિધ્ધહેમ શાખા દ્વારા ‘ભારતને ઓળખો’ અંતર્ગત મૌખિક પરીક્ષા યોજાઈ

રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતી ભારત વિકાસ પરીષદ પાટણની સિદ્ધહેમ શાખા દ્વારા ‘ભારતને ઓળખો’ અંતર્ગત મૌખિક પરીક્ષા યોજવામાં આવી હતી.
આ પરીક્ષામાં ભાગ લેનાર સ્પર્ધકોને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રશ્નો લાઈવ ડેમોસ્ટ્રેશન દ્વારા સ્કીન ઉપર બતાવી તેના ચાર ઓપ્શનમાંથી જવાબો મેળવી મૌખિક પરીક્ષા લેવાઇ હતી.
કોન બનેગા કરોડપતિની થીમ પર મૌખિક પરીક્ષા
ભારત વિકાસ પરીષદ પાટણની સિધ્ધહેમ શાખા દ્વારા શહેરની શેઠ વી.કે.ભૂલા હાઇસ્કૂલ ખાતે પાટણ શહેર અને તાલુકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની કોન બનેગા કરોડપતિની થીમ પર મૌખિક પરીક્ષા યોજવામાં આવી હતી.
પરીક્ષાના પ્રારંભ પૂર્વે સિધ્ધહેમ શાખાના સભ્યો દ્વારા દિપપ્રાગટય કરી વંદે માતરમના ગાન બાદ મૌખિક પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો
આ પરીક્ષા ચાર વિભાગમાં યોજાઇ હતી.
જેમાં પાટણ શહેર અને તાલુકાની 11 પ્રાથમિક શાળાના 22 સ્પર્ધકો અને 6 માધ્યમિક શાળાના 12 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
સિધ્ધહેમ શાખાના આયોજકો દ્વારા લેપટોપ ઉપર લાઇવ ડેમોસ્ટ્રેશન દ્વારા સ્કીન પર એક પછી એક પ્રશ્નોતરી પ્રદર્શિત કરવામાં આવી હતી.
જેના સ્પર્ધક ટીમ દ્વારા ઉત્સાહભેર જવાબ આપવામાં આવ્યા હતા.
આ પરીક્ષામાં ભારતની લોકસાસ્કૃતિ, સંસ્કાર તેમજ વર્તમાન પ્રવાહના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવનાર ટીમને આગામી સમયે પ્રાંતકક્ષાએ મોકલવામાં આવશે તેવું પ્રમુખે જણાવ્યું હતું.
આ પ્રસંગે શિરીષભાઇ પટેલ, કમલેશભાઇ, જશવંત જનસારી, અને અરવિંદસિંહ રાજપૂત સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.