ગાંધીનગરમાં 100થી લઈ 10 હજાર લોકો ગરબા રમી શકે તેવા નાના-મોટા 1500થી વધુ આયોજન

આજે નવરાત્રીના પ્રારંભ સાથે જ ગાંધીનગરાઓ પ્રથમ નોરતે જ ઝુંમવા તૈયાર છે.
જેમાં શેરીથી લઈને સોસાયટી અને પાર્ટીપ્લોટ્સમાં ગરબાનું ભવ્ય આયોજન થયું છે.
એક અંદાજ પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં 100 લોકોથી લઈને 10 હજાર લોકો એક સાથે રમી શકે તેવા નાના-મોટા 1500થી વધુ ગરબાના આયોજનો થયા છે.
જિલ્લાના ચાર તાલુકા 291થી વધુ ગામોમાં, ગાંધીનગર ન્યૂ ગાંધીનગરમાં આવેલી દરેક સોસાયાટીઓ, વિવિધ સેક્ટરમાં દરેક સ્થળે નાના-મોટા ગરબાના આયોજનો થયા છે.
ગરબાના ભવ્ય આયોજનો થયા
કોરોનાને પગલે એક વર્ષ બંધ રહેલાં ગરબા અને ગત વર્ષે માત્ર શેરી ગરબાની મંજૂરી હતી.
જેને પગલે બે વર્ષ બાદ આ વખતે ગરબાના ભવ્ય આયોજનો થયા છે.
ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમ અને થનગનાટ માત્ર બે જ સ્થળે પાર્ટીપ્લોટ્સમાં ગરબા થાય છે.
બાકી કલોલ, માણસા, દહેગામ ખાતે ક્યાંય પણ પાર્ટીપ્લોટ્સમાં ગરબા નથી યોજાતા.
જોકે જિલ્લામાં નાની શેરીમાં 100 લોકો રમી શકે તેવા આયોજનથી લઈને શહેરમાં કલ્ચરલ ફોરમ ખાતે એકસાથે 10 હજાર લોકો ગરબા રમી શકે તેવા આયોજન થયા છે.
કેસરિયા થીમ પર થનગનાટના આંગણે ગરબા
શહેરમાં થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી ગરબા યોજાય છે.
ત્યારે આ વખતે થનગનાટના આંગણે કેરસિયો રંગ લાગશે.
આ અંગે થનગનાટના અધ્યક્ષ રોહિત નાયાણીએ જણાવ્યું હતું કે,‘ આઝાદી કા અમૃત મહોત્સવને લઈને આ વખતે કેસરિયા થીમ પર ગરબા યોજશે.
નવરાત્રીના આયોજનમાં 50થી 60 ટકાનો ખર્ચ વધ્યો
દહેગામની શ્રીનાથ સોસાયટીમાં નવરાત્રીનું આયોજન કરનાર આયોજન સમિતિના સભ્ય મહેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘બે વર્ષનો કોવિડકાળ બાદ નવરાત્રીનો મોકો મળ્યો છે.
જેના કારણે આયોજકો દ્વારા કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવી નથી. મંડપ, શણગારની વસ્તુઓમાં થયેલા ભાવ વધારાથી નવરાત્રીના આયોજનમાં આ વખતે સીધો 50% થી 60% ખર્ચ વધ્યો છે.
દહેગામમાં મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા રવિભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘બે વર્ષ બાદ ઠેર-ઠેર આયોજનને પગલે મંડપ ડેકોરેશન અને સાઉન્ડના વ્યવસાયિકોના બુકિંગ ફૂલ થયા છે.
માણસા, કલોલના શેરી ગરબા આકર્ષણનું કેન્દ્ર બનશે
માણસા શહેરમાં આવેલી પ્રાચીન બહુચર માતાજીની માંડવી, વાવ દરવાજા ચોકમાં આવેલી માંડવી, વિસ્ત માતાનો ચોક,વિજય ટાવર,જોગણી માતાનું મંદિર અને અનેક શેરી મહોલ્લા અને સોસાયટીમાં નવરાત્રી યોજાશે.
તો ગ્રામ્ય વિસ્તારોમાં લોદરા, આજોલ, રીદ્રોલ, બદપુરા તેમજ અંબોડ મહાકાળી માતાના મંદિરે પણ નવરાત્રીનું ધામધૂમથી આયોજન કરાયું છે.
માણસા વિસ્તારમાં વર્ષોથી શેરી ગરબા અને જૂની પ્રસિદ્ધ માંડવી પર ગરબા રમવાનું ચલણ છે જે હજુ અકબંધ છે.
પાર્ટીપ્લોટના ગરબા થતા નથી. કલોલમાં પાંચહાટડી બજાર, માત્રીમાતા ચોક, વર્ધમાન નગર તેમજ મોખાસણ, સરઠવ સહિત ની જગ્યાએ નવરાત્રીનું વિશેષ આયોજન કરાયું છે.
કલોલમાં મંડપ ડેકોરેશન સાથે સંકળાયેલા તિમીર જયસ્વાલે જણાવ્યું હતું કે, સાઉન્ડ સિસ્ટમમાં 15થી 20 ટકાનો વધારો થયો છે.’