મેસમાં શાકમાં ઇયળ-જીવાતો અને કાચી રોટલીઓ પીરસાઇ

સમા સમરસ બોયઝ હોસ્ટેલમાં જમવાની ગુણવત્તા યોગ્ય ના હોવાનો વિવાદ ફરી ચગ્યો છે.
શાકભાજીમાં ઇયળ સહિતની જીવાતો નીકળતી હોવાના તથા રોટલી કાચી આપવામાં આવતી હોવાના મુદે વિદ્યાર્થીઓની રજૂઆતો કરી હતી.
સમા સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા યોગ્ય ના હોવાનો મુદો ફરીથી ચગ્યો છે.
વિદ્યાર્થીઓ દ્વારા મેસના કોન્ટ્રાકટર દ્વારા રોટલીઓ કાચી આપવામાં આવી રહી હોવાની સાથે શાકભાજીમાં ઇયળ સહિતની જીવાતો નીકળતી હોવાના પગલે રોષ જોવા મળી રહ્યો છે.
વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવીને સત્તાધીશોને આ અંગેની રજૂઆતો પણ કરી હતી.
જોકે હજુ સુધી સમસ્યાનો કોઇ નિવેડો આવ્યો નથી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે રોજે રોજ જમવામાં ઇયળો નીકળી રહી છે.
ખાવાની ગુણવત્તા પણ યોગ્ય હોતી નથી. વાર વાર રજૂઆતો કરી હોવા છતાં પણ કોઇ ઉકેલ આવી રહ્યો નથી.
જો આગામી સમયમાં સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ પહેલા સમરસ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તાના મુદે વિવાદ થયો હતો.
રોજે રોજ વિદ્યાર્થીઓ દ્વારા આંદોલનો કરવામાં આવતા હતા.
જોકે બે વર્ષ પછી હોસ્ટેલ શરૂ થયા પછી પણ જૈસે થે તેવી પરિસ્થીતી જોવા મળી રહી છે.