ઘરેથી શાક લેવાનું કહીને બાળકી સાથે નીકળેલી મહિલાએ કાંકરિયા લેકમાં ઝંપલાવ્યું, બંનેના મોત

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી પરિણીતા ઘરેથી શાક લેવાનું કહીને સવારે બાળકીને સાથે લઈને ગઈ હતી. ત્યારબાદ તેણે નરોડાના કાંકરિયા તળાવમાં કૂદીને બાળકી સાથે આપઘાત કર્યો છે. પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે હજુ સુધી આત્મહત્યાનું કારણ અકબંધ છે, પરંતુ કૌટુંબિક કંકાસની શંકા છે.
બંનેના મૃતદેહો કાઢીને પીએમ માટે ખસેડાયા
શહેરના કૃષ્ણનગરમાં રહેતા 27 વર્ષીય ભારતીબેન મોદી તેમની 6 દીકરી જિયા સાથે શાકભાજી લેવા જવાનું કહીને નીકળ્યા હતા. નરોડામાં આવેલા કાંકરિયા તળાવ પાસે જઈને જ 11 વાગ્યાના અરસામાં ભારતીબેને તેમની દીકરી સાથે મોતની છલાંગ લગાવી હતી. જેમાં બંને માં-દીકરીના મોત થયાં છે. બનાવની જાણ થતાં નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંનેના મૃતદેહ પીએમ માટે મોકલીને પરિવારને જાણ કરવામાં આવી છે.
આપઘાતનું કારણ ગૃહ કંકાસ હોવાની શક્યતા
નરોડા પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. હાલ પ્રાથમિક તપાસમાં પારિવારિક કંકાસ હોવાની શક્યતા છે, જેને પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
