‘તુ સેક્ટર 5માં કેમ મારા ઘર આગળથી નિકળે છે’ કહી યુવકને પાઇપ મારી

સેક્ટર 4મા રહેતો યુવક ગત રાત્રે બાઇક લઇને સેક્ટર 5 મહાકાળી માતાજીના મંદિર તરફથી પસાર થઇ રહ્યો હતો.
તે સમયે સેક્ટર 5મા રહેતા શખ્સે બાઇક રોકાવી કહ્યુ હતુ કે, તુ સેક્ટર 5મા અમારા ઘર આગળથી કેમ નિકળે છે કહીને મારામારી કરી હતી.
મનફાવે તેમ ગાળો બોલી ઉશ્કેરાઇ માથામા પાઇપ ફટકારી હતી. જેને લઇને માથામાથી લોહીના ફૂવારા ઉડતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો.
જ્યારે પિતા અને બે દિકરા સામે સેક્ટર 7 પોલીસ મથકમા મારામારીની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ દિપક મગનભાઇ પરમાર (રહે, સેક્ટર 4સી, મૂળ મેઘપર ધ્રોલ, જામનગર) ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે.
ત્યારે ગત મોડી રાત્રે આશરે સાડા નવ વાગ્યાના અરસામા બાઇક નંબર જીજે 18 ડીપી 4818 લઇને સેક્ટર 5બીમા રહેતા મિત્રને મળવા જઇ રહ્યો હતો.
તે સમયે મહાકાળી માતાજીના મંદિર નજીક રહેતા રમેશભાઇ પરમારના મકાન આગળ બાઇક લઇને પહોંચતા તેમનો દિકરો તેજસ હાથમા પાઇપ લઇને આવ્યો હતો.
તે સમયે દિપકને રોકીને કહેવા લાગ્યો હતો કે, તુ સેક્ટર 5મા કેમ આવે છે ? અને મારા ઘર આગળથી કેમ નિકળે છે ? તેમ કહીને ઉશ્કેરાઇ ગયો હતો.
ઉશ્કેરાઇ જતા ગાળા ગાળી કરી હતી, તેજસ હાથમા લોખંડની પાઇપ હાથમા લઇને આવી માથામા ફટકારી દીધી હતી.
જેથી માથામાથી લોહી નિકળવા લાગ્યુ હતુ. તે સમયે તેનો ભાઇ રાજદીપ હાથમા લાકડી લઇને પગે મારવા લાગ્યો હતો.
જ્યારે તેના પિતા રમેશભાઇ પણ ગાળા ગાળી કરવા લાગ્યા હતા.
ગડદાપાટુનો માર મારતા બુમરાણ મચાવી હતી. જેથી આસપાસમાંથી લોકો એકઠા થઇ ગયા હતા
અને ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલમા સારવાર અર્થે લઇ જવાયો હતો,
જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમા મોકલવામા આવતા ટાંકા લેવામા આવ્યા હતા.
આ બનાવને લઇને મારામારી કરનાર તેજસ રમેશભાઇ પરમાર, રાજદીપ રમેશભાઇ પરમાર અને રમેશભાઇ પરમાર સામે સેક્ટર 7 પોલીસ મથકમા ગુનો નોંધાવતા તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગરમાં નાની નાની વાતમાં હુમલાના બનાવોમાં અચાનક વધારો થયો છે.
વેપારીને ખુરશી મારવાનો બનાવ હજુ તાજો છે ત્યાં બીજો બનાવ બન્યો હતો.