પેથાપુરનાં મૂલચંદ પાર્કમાં વેપારીનું મકાન ભાડૂઆતે પચાવી પાડ્યું, કલેકટરનાં હુકમથી ગુનો નોંધાયો

ગાંધીનગરના પેથાપુરમાં આવેલા મૂલચંદ પાર્ક સોસાયટીમાં એક મહિના માટે મકાન ખાલી કરવાની બાંહેધરી આપી ભાડૂઆતે મકાન ઉપર કબ્જો કરી લીધો હતો.
આખરે મકાન માલિકે સીટ માં ફરિયાદ કરતાં કલેક્ટરના હુકમથી પેથાપુર પોલીસ મથકમાં ભાડૂઆત વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
20 લાખમાં મૂલચંદ પાર્કમાં મકાન નંબર 44 ખરીદ્યું હતું
પેથાપુર મુલચંદ પાર્ક સોસાયટીમાં રહેતા આફતાબ હકિમભાઇ મનસુરી ઝાક જી.આઈ.ડી.સી. ખાતે લોખંડનો વેપાર કરે છે.
13 મી સપ્ટેમ્બર 2021 માં આફતાબે દહેગામના સાહીદખાન અકબરખાન પઠાણ પાસેથી રૂ. 20 લાખમાં મૂલચંદ પાર્કમાં મકાન નંબર 44 ખરીદ્યું હતું.
એ વખતે સાહીદખાને આ મકાન અક્બરખાન સલીમખાન પઠાણને ભાડે આપી રાખ્યું હતું.
જે એક મહિનાની અંદર મકાન ખાલી કરી દેશે તેવી સાહીદખાને બાંહેધરી પણ આપી હતી.
આખરે હારી થાકીને મકાન માલિકે સીટ માં ફરિયાદ કરી હતી
બાદમાં ઉક્ત મકાન ખાલી કરવા માટે આફતાબે વારંવાર અક્બરખાનને કહ્યું હતું.
પરંતુ તેણે મકાન ખાલી કરી કબ્જો જમાવી દીધો હતો. અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો રહેતો હતો.
આખરે આફતાબે હારી થાકીને મિલ્કત સંબંધ ધી ગુજરાત જમીન પચાવવા ઉપર પ્રતિબંધ અધિનિયમ-2020 હેઠળ કાર્યવાહી કરવા ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે સીટમાં અરજી કરી હતી.
કલેકટરના હુકમથી પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો
ત્યારે સીટની તપાસમાં દસ્તાવેજી પુરાવા સહિતની સઘન તપાસ કરવામાં આવતા આફતાબે ઉક્ત મકાન એક મહિનામાં ખાલી કરવાનું કહીને પચાવી પાડવામાં આવ્યું હોવાનું પુરવાર થયું હતું.
જેનાં પગલે કલેક્ટરનાં હુકમથી પેથાપુર પોલીસે ભાડૂઆત અક્બરખાન વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
