ઓખામાં યુવાને અગમ્ય કારણોસર જિંદગી ટૂંકાવી, પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિત ચાર સાસરિયાઓ સામે ફરિયાદ

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા હિતેષભાઈ પ્રાગજીભાઈ વાઢેર નામનો 35 વર્ષનો યુવાન ગઈકાલે મંગળવારે ચાલીને જઈ રહ્યો હતો.
ત્યારે ઓખા-દ્વારકા હાઈ-વે રોડ પર જી.આઈ.ડી.સી. પાસે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 37 એસ. 0670 નંબરના સિમેન્ટ કોંક્રેટ મિક્સર વાહનના ચાલક આશિષ રમણભાઈ રોઝ નામના 22 વર્ષના યુવાને હિતેશભાઈને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું કરુણ મોત નિંપજ્યું હતું.
આ બનાવવા અંગે રવજીભાઈ હરજીભાઈ વાઢેરની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આશિષ રમણભાઈ રોઝ સામે આઈ.પી.સી. કલમ 279, 304(અ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓખામાં યુવાને અગમ્ય કારણોસર જિંદગી ટૂંકાવી
ઓખાની મેઈન બજાર વિસ્તારમાં રહેતા કરણભાઈ જયસુખભાઈ સોલંકી નામના 23 વર્ષના યુવાને ગત તારીખ 12 મીના રોજ રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ઓઢણી વડે પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાહુલ જયસુખભાઈ સોલંકીએ ઓખા મરીન પોલીસને જાણ કરી છે.
પોલાસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પરિણીતાને ત્રાસ આપવા સબબ સાસરિયાઓ સામે ફરિયાદ
ભાણવડ તાબેના હાથલા ગામે હાલ રહેતી પરિણીત પુત્રીને તેણીના લગ્ન જીવન દરમિયાન પોરબંદર ખાતે રહેતા તેના પતિ પિયુષ શાંતિલાલ ખરા, સસરા શાંતિલાલભાઈ તેમજ જેઠ મનોજભાઈ અને જેઠાણી દ્વારા નાની-નાની વાતોમાં મેણાં-ટોણા મારી, મારકૂટ કર્યાની તથા “તું તારા પિતાના ઘરેથી એપલની આશરે રૂપિયા 40,000 જેટલી કિંમતની ઘડિયાળ કેમ લાવેલ નથી?
” તેમ કહી, દહેજની માંગણી કરતા સાસરીયાઓના ત્રાસથી પરિણીતા છેલ્લા ઘણા સમયથી તેણીના પિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી.
આ સમગ્ર બનાવવા અંગે અહીંના મહિલા પોલીસ મથકમાં પતિ સહિત ચારેય સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની કલમ તથા દહેજ પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.