રડતાં રડતાં પિતાએ કહ્યું- આખું ઘર દીકરી પર નભતું હતું, બપોરે કંદોરો લેવા બોલાવી અને રહેંસી નાખી

‘મારી દીકરીએ મજૂરી કરીને દાગીના બનાવ્યા હતા. કંદોરો, આંકડો…એ બધું તેણે જાતમહેનતથી ભેગું કર્યું હતું. બધાં જ કામમાં બહુ મદદ કરતી હતી. હું ગરીબ માણસ છું.
તે ભણી અને મારા ઘરનું તંત્ર ચલાવતી હતી. બધાનું હેન્ડલિંગ તે જ કરતી હતી.
આ વર્ષે તેના લગ્ન કરવાના હતા. મારા ઘરમાં સૌથી વધારે તે જ ભણેલી હતી.
તેની માટે હું તેની મમ્મી અને તેના ભાઈઓ બધું જ હતો, કેમ કે અમે તેને બહુ સાચવી રાખતા હતા.
અમને આવા કોઈ સંબંધોની તો જાણ જ નહોતી. ક્યારેય સાંભળ્યું પણ નથી.
તેના માસા તેને છેતરીને લઈ ગયા,’ આટલું બોલતાં જ પિતાની આંખોના ખૂણા ભીના થઈ ગયા.
દાહોદ જિલ્લામાં માનવ સંબંધોને શર્મશાર કરતાં બનાવે પંથકમાં ચકચાર મચાવી છે.
જંગલમાંથી ત્રણ દિવસ પહેલાં એક 20 વર્ષીય યુવતીનું ધડથી માથું અલગ કરાયેલી લાશ મળી આવી હતી.
રૂંવાડાં ઊભાં કરી દેતી આ ઘટનામાં યુવતીની તેના જ માસાએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
ચાર જુવાનજોધ દીકરાના પિતા એવા માસાએ પ્રેમસંબંધમાં ભાણીને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી હતી.
હત્યાના એક દિવસ બાદ જેલમાં આરોપી માસાએ પણ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
દીકરી મજૂરી કરવા ગઈ અને માસા સાથે મુલાકાત થઈ
જુવાનજોધ દીકરીના મૃત્યુથી પિતા વિચલિત થઈ ગયા છે.
હજી પણ લાડલીને યાદ કરીને રડ્યા જ રાખે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે ઘટના અંગે વિગતવાર વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું, ‘હું અમદાવાદમાં મજૂરીકામ કરું છું. મારી દીકરી 10 ધોરણ ભણેલી હતી.
એ પહેલાંથી સરસિયા ગામમાં એના મામાના ઘરે જ રહેતી હતી.
આઠ ધોરણ સુધી દેવગઢ બારિયા ખાતે ભણી. ભણ્યા પછી એ મામાના ત્યાં જ ખેતીકામ કરતી હતી.
પછી બીજી બધી છોકરીઓ સાથે મજૂરીકામે જતી હતી. એ રીતે એ 2-3 વાર ગઈ હતી, જ્યાં તેને આરોપી જેન્તી છત્રસિંહ રાઠવા મળ્યો હતો.
અમારા પરિવારની પણ તેની સાથે મુલાકાત થઈ. પછી અમને ખબર પડી કે એ અમારા સગામાં થાય છે.
એ પહેલાં હું તેને ઓળખતો જ નહોતો. જેન્તી અમારા ઘરે આકલી ખાતે પણ આવ-જા કરતો હતો.’
માસો થતો હતો એટલે અમને શંકા ન ગઈ
મૃતક યુવતીના પિતાએ આગળ જણાવ્યું હતું કે ‘ઘટના પહેલાં મારી દીકરીએ મને આવી કોઈ વાત (પ્રેમપસંગ અંગે) કરી નહોતી અને તેનો માસો થતો હોય એટલે મને એવું થાય કે મારી છોકરી સાથે આવું કરશે?
બીજું કોઈ હોય તો હું કે તેની મમ્મી પાછળ જઈએ કે ફોનનંબર લઈએ,
જુવાન છોકરીની સંભાળ રાખીએ. જેન્તી અમને એવું કહેતો કે અમે જ આનાં મા-બાપ છીએ.
તેને બીજી જગ્યાએ કામધંધે નહીં જવા દઈએ. તેને અમારી સાથે જ કામ પર મોકલવાનીસ એમ કહીને એ મારી દીકરીને ખેતરમાં મગફળી વીણવા અને અન્ય મજૂરીકામે લઈ જતો.’
એ દિવસે શું બન્યું હતું?
‘એ દિવસે મારી દીકરી મામાના ઘરે સરસિયા હતી.
તેની નાનીમાની તબિયત ખરાબ હતી, એટલે તેમની સેવા કરતી હતી.
એ વખતે જેન્તીનો ફોન આવ્યો હતો કે ‘2 વાગ્યે તું તારો કંદોરો લેવા આવ અને મંદિર સુધી હું તને લેવા આવું’ એમ કહીને જેન્તી તેને છેતરીને લઈ ગયો હતો.
‘ જેન્તીને જરૂર પડી ત્યારે મારી દીકરીએ તેને મદદ કરવા માટે પોતાનો કંદોરો આપ્યો હતો.
કંદોરો લેવા બોલાવી
‘છેલ્લે દીકરીએ મારી પત્ની સાથે વાત કરી હતી કે ‘મમ્મી મારા માસા મને લેવા આવે છે અને તેની સાથે હું કંદોરો લેવા જવાની છું.
‘ મંગળવારે તે જેન્તીની સાથે ગઈ અને સાંજે 4 વાગ્યાની આસપાસ અમદાવાદથી હું મારા ઘરે આંકલી ગામ પહોંચ્યો.
અમારે ડોડા લઈને પાવાગઢ જવાનું હતું. મને થયું કે છોકરીને ફોન કરું પછી એવું થયું કે તેને ફોન કરીશ તો એવું લાગશે કે મારા પપ્પા મને વઢશે, એટલે મેં ફોન ન કર્યો.’
કાકાએ ફોટો બતાવ્યો અને ખબર પડી કે…
દીકરી રાત્રે ઘરે ન આવી. સવારે દાંતણ પાણી કરી ને મારા કાકાના ઘરે ગયો.
ત્યાં તેમણે મને લાશનો ફોટો બતાવ્યા કે આ તમારી છોકરી છે?
તસવીરો જોતાં જ મારા શરીરમાંથી કંપારી છૂટી ગઈ. લાશના હાથે એક નિશાન હતું અને તેના ડ્રેસ પરથી જ હું ઓળખી ગયો.
ઉપર એના નામનો પહેલો અક્ષર હતો જે તેણે (જેન્તી)એ ભૂંસી નાખ્યો હતો. એ અક્ષર ખરાબ થઈ ગયો હતો.
છેલ્લે વાત થઈ ત્યારે કહ્યું હતું કે પપ્પા, હું ઘરે જવાની છું
મારે થોડા દિવસ પહેલાં તે કામે હતી ત્યારે તેની સાથે વાત થઈ હતી.
એ વખતે મારી પત્ની અને મમ્મી બંનેને તાવ આવ્યો હતો, એટલે ઘરે કામ કરવાવાળા ઓછા હતા,
એટલે મે તેને ઘરે જવાનું કહ્યું હતું. મને ક્યાં ખબર હતી કે મારી દીકરીના આ છેલ્લા શબ્દો છે.
હવે પછી હું ક્યારેય તેનો અવાજ નહીં સાંભળી શકું.
જેન્તી વિશે મને ગામમાંથી જ ખબર પડી કે તેણે પણ પોલીસ સ્ટેશનમાં આપઘાત કરી લીધો છે.
બાકી કઈ ખબર નથી. આરોપીએ જ એવું કહ્યું કે મારી સાથે આડોસંબંધ ચાલતો હતો
અને બીજે કામ કરવા ગઈ એટલે મેં તેને કાપી નાખી.
શું હતો બનાવ? ચાર બાળકના પિતા માસાએ ભાણીને ફસાવી
જેન્તી રાઠવા પરિણીત અને ચાર બાળકનો પિતા હતો. ચારમાંથી બે બાળકને તો પરણાવી દીધા હતા.
હર્યોભર્યો પરિવાર હોવા છતાં વાસનામાં અંધ માસાએ યુવાન ભાણીને રહેંસી નાખી હતી.
માસા અને ભાણી વચ્ચે એક વર્ષથી સંબંધ બંધાયો હતો.
થોડા સમય પહેલાં કસાઇનું કામ કરતા જેન્તીએ ઇકો ગાડી લીધી હતી
અને તે ડ્રાઇવર તરીકેનું કામ કરતો હતો. જેન્તી સાથે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો
ત્યારે યુવતીનો અન્ય એક યુવક સાથે પણ પ્રેમસંબંધ બંધાયો હતો.
આ વાતની જાણ થતાં જેન્તી અવારનવાર ઝઘડા કરતો હતો.
6 સપ્ટેમ્બરના રોજ જેન્તીએ યુવતીને ઇકો ગાડીમાં બેસાડીને બામરોલી ગામના કોપવાળી જંગલમાં લઇ ગયો હતો.
ત્યાં બંનેની બબાલ થઈ હતી, જેથી ઉશ્કેરાઈને જેન્તીએ સાથે લાવેલા મોટા છરાથી યુવતીનું માથું ધડથી જુદું કરીને તેને એક તરફ હડસેલીને ફરાર થઇ ગયો હતો.
પોલીસે તલસ્પર્શી તપાસ બાદ જેન્તીની કડક પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
જોકે પછી પોલીસ લોક-અપમાં તેણે આપઘાત કરી લીધો હતો.