13 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં કુટુંબી કાકાને જીવે ત્યાં સુધી સખત કેદની સજા કરાઇ

13 વર્ષ અને 8 માસની સગીરા પર દુષ્કર્મ આચરનારા વિજાપુર તાલુકાના નવા સંઘપુર ગામના કુટુંબીકાકાને મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે શુક્રવારના રોજ આજીવન કેદની સજા ફટકારી હતી.
સગીરાનું પાલનપોષણ કરનાર કુટુંબીકાકા દ્વારા જ સગીરા સાથે જઘન્ય કૃત્ય કરાતાં કોર્ટે આરોપીને જ્યાં સુધી કુદરતી મૃત્યુ ના થાય
ત્યાં સુધીની સખત કેદની સજા ફટકારવી સમાજમાં એક ઠોસ દાખલો બેસાડ્યો છે.
વિજાપુર તાલુકાના સંઘપુર ગામે રહેતા ચૌહાણ રાજુ ઉર્ફે લાલાજી પ્રતાપજી દ્વારા 22 ફેબ્રુઆરી 2020ના રોજ તેમજ બે મહિના અગાઉ પણ પંથકની 13 વર્ષ અને 8 માસની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
જે અંગેનો કેસ શુક્રવારે મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રેખાબેન જોશી દ્વારા દસ્તાવેજી પુરાવાના આધારે કરાયેલી દલીલોને માન્ય રાખી જજ એ.એલ. વ્યાસ દ્વારા આરોપી રાજુ ચૌહાણને આઇપીસી 376 અંતર્ગત આજીવન સખત કેદની સજા અને રૂ.1000 દંડ ફટકાર્યો હતો.
ઉલ્લેખનિય છે કે સમગ્ર કેસમાં કોર્ટ દ્વારા આરોપીને સજા અપાવવામાં સરકારી વકીલોની દલીલોની સાથે મેડીકલ પુરાવા અને એફએસએલ રિપોર્ટે પણ ખૂબ મહત્વનો સાબિત થયો હતો.
મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા રેર ઓફ ધ રેર કહી શકાય તેવો ચુકાદો આ કેસમાં અપાયો છે.
દુષ્કર્મ આચરનાર આરોપી જ સગીરાનું પાલનપોષણ કરતો હોવાથી કોર્ટે જઘન્ય કૃત્ય કરનાર આરોપીનું કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધી સખત કેદની સજા ફટકારી હતી.