છતમાં કાંણું કરી ઘરમાં પડેલી વીજળીથી મહિલા દાઝી, ઘરમાં તીજોરીના કાચ પણ ફૂટી ગયા

સિંગવડ તાલુકાના મછેલઈ ગામે રહેણાંક મકાન ઉપર વીજળી પડતાં ઘરમાં હાજર મહિલા પીઠના ભાગે દાઝી ગઇ હતી.
છતને કાંણી કરીને ઘરમાં પડેલી વીજળીને કારણે તીજોરીના કાંચ પણ ફુટી ગયા હતાં.
મહિલાને સારવાર અર્થે લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી.
ઘટના પગલે તલાટી કમ મંત્રીએ વહીવટી કામગીરી હાથ ધરી તાલુકા વિકાસ અધિકારી સિંગવડને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિંગવડ તાલુકાના મછેલાઇ ગામે પસાઈતા ફળિયાના ડામોર મહોલ્લામાં બુધવારે સવારે 9:45 કલાકના સુમારે ભારે વરસાદ વરસ્યો હતો
તે દરમિયાન અચાનક ગામના ડામોર રાજનભાઈ લક્ષ્મણભાઈના રહેણાંક મકાન ઉપર અચાનક વીજળી ત્રાટકી હતી.
તે દરમિયાન રહેણાંક મકાનમાં રાજનભાઈના પત્ની ભાનુબેન પોતાનું ઘર કામ કરી રહ્યા હતાં.
નળિયા વાળા ઘરની છતમાં કાંણું કરીને વીજળી ઘરમાં ભાનુબેન ઉપર પડતાં તેઓ પીઠ અને ખભાના ભાગે ગંભીર રૂપે દાઝી ગયા હતાં.
વીજળી પડવાને કારણે ઘરની તીજોરીના કાંચ પણ ફુટી ગયા હતાં.
દાઝેલા ભાનુબેન ડામોરને રેફરલ હોસ્પિટલ લીમખેડા ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
આ બાબતે ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી એમ.એચ બારીયાએ ઘટનાની તપાસ હાથ ધરી
તાલુકા વિકાસ અધિકારી સિંગવડને રિપોર્ટ સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.