મોદજ ગામમાં ત્રણ નશેબાજોનો કોઠીપુરાના યુવક પર ચાકૂથી હુમલો

મહેમદાવાદના મોદજ ગામે પ્રગતિ નગર વિસ્તારમાં દારૂ પીને બાઈક ચલાવી રહેલા ફિણાવ બન્ના ગ્રુપના યુવકોએ અન્ય યુવક પર ચપ્પાથી હુમલો કરતા ચકચાર મચી છે.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કોઠીપુરાના યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જેને હોશ આવ્યા બાદ મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે.
મહેમદાવાદના કોઠીપુરા ખાતે રહેતા ચૌહાણ અજય કુમાર તા.8 સપ્ટેમ્બરના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યે તેમના ભાઈ કલ્પેશકુમાર અને હિતેશકુમાર સાથે કાર લઈ મોદજ ઓવરબ્રીજ પાસેથી પ્રગતિનગર તરફ જઈ રહ્યા હતા.
તે દરમિયાન સામેથી 3 યુવકો દારૂના નશામાં બાઈક લઈને આવી રહ્યા હતા.
ફરિયાદીના જણાવ્યા મુજબ યુવકોએ એટલો દારૂ પીધો હતો કે તેમનું બાઈક બેલેન્સ પણ થતું ન હતી, અને બેલેન્સ ગુમાવી દીધું હતુ.
જે બાદ 3 એ યુવકો પૈકી જગદીશ ડાભીનાએ અજય અને તેના ભાઈઓને ગાળો બોલવા લાગ્યો હતો.
અને છાનોમાનો ચાલ્યો જા, અમો ફીણાવ ગામના બન્ના ગ્રુપના માણસો છીએ તમને ત્રણેને પતાવી દઈશું,
તેવી ધમકી આપવા લાગ્યો હતો. મામલા ઉગ્ર બનતા જગદીશ ડાભી તેમજ તેની સાથેના બે યુવકોએ અજયને પકડી તેના ચહેરા પર ધારદાર ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા.
જે બાદ કારમાં બેઠેલા બંને ભાઈઓએ વચ્ચે પડી તેને છોડાવ્યો હતો.
ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા અજયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.