ગોધરામાં 5 લાખના ખર્ચે 480 ખાડા પૂરાયાં પણ સમસ્યા તો યથાવત જ

ગોધરા નગર પાલિકા દ્વારા ગણપતિ અને નવરાત્રીને અનુલક્ષીને ભારે વરસાદના કારણે પડેલા ખાડાઓ સરકારના આદેશ બાદ પુરવાની કામગીરી શરૂ કરાઇ હતી.
જેમાં ગોધરા નગરમાં રૂપિયા 5 લાખના ખર્ચે 480 ખાડા નગરના માર્ગો પર પુરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.
પણ શહેરના મુખ્ય માર્ગો સ્ટેશન રોડ, શહેરા ભાગોળ અને પ્રભાકૂંજ પાસે તો ખાડાની સ્થિતિ જૈસેથે જ જોવા મળી રહી છે.
તો પાલિકાએ કયા ખાડામાં પુરાણ કર્યુ ? તે એક સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત માટેની આપેલી સુચના બાદ વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તાબા હેઠળની ગોધરા સહિત 26 નગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે ખાડાઓ પૂરવા જણાવ્યુ હતુ.
જે અંતર્ગત ગોધરા નગર પાલીકાએ રૂા. 5 લાખના ખર્ચે શહેરમાં નાના મોટા થઇને કુલ 480 ખાડા પુરવામાં આવ્યા હોવાનું પ્રાદેશિક નગરપાલિકા કમિશનરને જણાવ્યુ હતુ.
પરંતુ ગોધરા શહેરમાં સ્ટેશન રોડ, શહેરા ભાગોળ, પોલીસ લાઇન પાસે, પ્રભાકુંજ સોસાયટીના પ્રવેશ પાસે, બી એન ચેમ્બર્સ, બગીચા રોડ, શુક્લ સોસાયટી સહિતના વિસ્તારમાં ઠેર ઠેર ખાડા જેસે થેની હાલતમાં જોવા મળી રહ્યા છે.
વધુમાં બાગ રોડ પર મોટા મેટલ નાંખીને ખાડા પુરવામાં વેઠ ઉતારવામાં આવતા દુકાન માલીકો, વાહન ચાલકો તથા રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ત્યારે ગોધરા પાલીકા દ્વારા મોટા ઉપાડે પ્રાદેશિક નગરપાલિકા કમિશનરને શહેરમાં 480 ખાડા પુરવાની કામગીરી કરી હોવાનું જણાવ્યુ હતુ.
પરંતુ ગોધરામાં પરિસ્થિતીતો કાંઇ અલગ જ છે.
જેને કારણે આજે પણ ગોધરાના શહેરીજનો ખાડા તથા પુરણની ધુળની ડમરીઓથી પરેશાન થઇ રહ્યા છે.
તો પાલીકા દ્વારા ફક્ત કાગળ પર જ ખાડા પુરવામાં આવ્યા હોય તેવુ શહેરમાં ખાડા જોતા લાગી રહ્યુ છે.
વરસાદ આવતાં પાછા ખાડા થયા
શહેરમાં વરસાદથી ખાડાઓનું સર્જન થતાં સોસિયલ મીડીયામાં મુદ્દો ચગ્યો હતો.
ગણેશ મહોત્સવને લઇને પાલીકાઅે ખાડા પુરવાની શરુઆત કરી હતી.
પાલીકા દ્વારા શહેરના 480 જેટલા ખાડાઓ કપચી વેસ્ટથી પુર્યા હતા
પરંતુ વરસાદનુ અાગમન થતાં ખાડાઓ પાછા સર્જન થઇ જતાં આવતા જતા રાહદારીઓ તથા વાહન ચાલકો પરેશાન થયા છે.
શહેરમાં ઠેર ઠેર ખાડાઓથી વાહન ચલાવવું મુશ્કેલ બનતાં ખાડાઓનો કાયમી નિકાલ કરવા શહેરીજનોએ માંગ કરી છે.