ગરબા રમીને દહીંવડાનો નાસ્તો કર્યા બાદ 106ને ફૂડ પોઇઝનિંગની અસર

ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં શ્યામ શુકન ફ્લેટમાં ફૂડ પોઈઝનિંગના 106 કેસ સામે આવ્યા હતા.
રવિવારે રાત્રે ગરબા પછી સોસાયટીના 450 જેટલા સભ્યોએ દહીંવાડનો નાસ્તો કર્યો હતો.
જેમાંથી 106 લોકોને સોમવારે સવારે પેટમાં દુખાવો, ઉબકા, ઝાડા-ઉલ્ટીની અસર થઈ હતી.
પીડીપીયુ રોડ પર રોડ ભાઈજીપુરા ચારરસ્તા પર શ્યામ શુકન ફ્લેટ દ્વારા ગરબાનું આયોજન કરાયું છે અને દરરોજ રાત્રે અલગ-અલગ નાસ્તો લવાતો હોય છે.
રવિવારે રાત્રે સોસાયટીના સભ્યોએ સાથે મળીને દહીંવડા ખાધા હતા.
જેની અસર વહેલી સવારથી જ લોકોને શરૂ થઈ હતી. જેમાં સભ્યોને પેટમાં દુખાવો, ઉબકા, ઉલ્ટી તથા ઝાડાની અસર થઈ હતી.
એક પછી એક ફરિયાદો સામે આવતા સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી.
જેને પગલે તાત્કાલિક ધોરણે ગાંધીનગર કોર્પોરેશનની આરોગ્ય ટીમને જાણ કરાઈ હતી.
જેને પગલે 7 જેટલી આરોગ્યની ટીમો દ્વારા તાત્કાલિક સર્વેલન્સની કામગીરી શરૂ કરી હતી.
જેમાં ફૂડ પોઈઝનિંગના 106 કેસ સામે આવ્યા હતા, જેમાંથી 105 લોકોને સોસાયટીમાં જ સારવાર આપી દેવાઈ હતી.
જ્યારે એક વ્યક્તિને દાખલ કરવાની ફરજ પડી હતી.
મનપાની આરોગ્યની ટીમ દ્વારા જરૂરી દવાઓ અને ઓઆરએસના પેકેટ આપી દીધા હતા.
હાલ તમામ લોકોની સ્થિતિ નોર્મલ છે.