વડોદરામાં દારૂ પી પત્નીને સાથે મારઝૂડ કરતા પતિએ પત્નીને કહ્યું તલ્લાક તલ્લાક તલ્લાક

શહેરમાં એક પરિણીતાને તેના પતિએ પત્નીને બે સંતાનની માતા હોવા છતાં ત્રણ વખત તલ્લાક કહેતા આ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
સાથે પતિએ ધમકી પણ આપી હતી કે જો તે આ અંગે પોલીસ ફરિયાદ કરશે તો તે આત્મહત્યા કરી લેશે અને તેમને ફસાવી દેશે.
બ્લોક બનાવવાની ફેક્ટરીમાં નુકસાન ગયું
વડોદરાના મદાર મહોલ્લામાં રહેતી પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન વર્ષ 2012માં ભાંડવાડા ખાતે રહેતા મહમંદ રફીક પઠાણ સાથે થયા હતા.
લગ્ન જીવનથી તેને બે 10 વર્ષ અને 4 વર્ષની બે દીકરીઓ છે.
લગ્ન બાદ તેઓ વેપાર માટે મધ્ય પ્રદેશના છીંદવાડાના પરાસીયા ગામમાં રહેવા ગયા હતા.
જ્યાં પતિએ શેડ બનાવી બ્લોક બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હતી.
પરંતુ ફેક્ટરી બરાબર ન ચાલતા પતિ સાથે તેઓ પરત વડોદરા રહેવા આવી ગયા હતા.
બાળકોનું તો વિચારો કહેતા પતિએ ત્રિપલ તલ્લાક આપ્યા
વડોદરા આવ્યા બાદ પતિ કોઇપણ કામ ધંધો કરતો ન હતો અને દારૂના નશાના રવાડે ચડી ગયો હતો.
સાથે પરિણીતા સાથે ઝઘડો કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારવા લાગ્યો છે.
જો કે ઘર સંસાર સારો ચાલે તે માટે પરિણીતા મૂંગે મોઢે ત્રાસ સહન કરતી રહી હતી.
દરમિયાન પરિણીતાએ પતિને કામ ધંધો કરવા અને બાળકોનો તો વિચાર કરો તેમ કહેતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો.
પતિએ તલ્લાક તલ્લાક તલ્લાક એમ ત્રણ વખત તલ્લાક કહી તેને છૂટાછેડા આપું છું તેમ કહ્યું હતું.
ફરિયાદ કરે તો આત્મહત્યા કરી ફસાવી દેવાની ધમકી આપી
જેના બીજા દિવસે પતિએ પત્નીને ધમકી આપી હતી કે જો મારા વિરૂદ્ઘ કોઇ ફરિયાદ કરીશ તો હું રેલવે ફાટક જઇ આત્મહત્યા કરી લઇશ અને તારા ઘરવાળાઓને ફસાવી દઇશ.
જેથી પરિણીતાએ પતિ સામે સિટી પોલીસ સ્ટેશનમાં ત્રિપલ તલ્લાક સામેના નવા કાયદા અનુસાર ફરિયાદ નોંધાવી છે.