ચાલુ બસે સવારે 7 વાગે કોર્પોરેટરોએ ગરબા રમવાની જીદ કરતાં 2 મહિલા હોદ્દેદાર નારાજ

શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે કચવાટના કિસ્સા સામે આવતા હોય છે.
રાજકોટમાં રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યક્રમમાં હાજરી આપવા મંગળવારે વડોદરાથી ગયેલી બસમાં જેને ગરબા ન રમવા હોય તે સામાન મૂકવાની જગ્યાએ સૂઈ જાવ તેમ કહેતાં નારાજ બે મહિલા હોદ્દેદારો વચ્ચે ઊતરી પાછળ આવતી બીજી બસમાં બેસી ગયાં હતાં.
ચૂંટણી આવી રહી છે તેવામાં પક્ષમાં ભાજપ વર્સીસ ભાજપ ચાલતું હોવાની ભારે ચર્ચા છે
ત્યારે મંગળવારે ફરી સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે માથાકૂટ થઈ હતી.
રાજકોટના કાર્યક્રમમાં જવા કાઉન્સિલરો અને સંગઠનના હોદ્દેદારો માટે 2 બસ મૂકાઈ હતી.
જેમાં એકમાં પુરુષ હોદ્દેદારો અને કાઉન્સિલરો અને બીજી બસમાં મહિલા બેઠી હતી.
જેમાં વહેલી સવારે મહિલા કાઉન્સિલરોએ ગરબા રમવાની વાત કરી સ્પીકરનો અવાજ વધાર્યો હતો.
તદુપરાંત મહિલા કાઉન્સિલરો પૈકીનાં એકે જેણે ગરબા ન રમવા હોય તે સામાન મૂકવાની જગ્યાએ સૂઈ જાવ તેઓ કટાક્ષ કરતાં સંગઠનનાં મહિલા હોદ્દેદારો નારાજ થયાં હતાં.
તેઓએ શહેર પ્રમુખને જાણ કરી બસ થોભાવી હતી અને ત્યારબાદ પાછળ આવતી બસમાં બેસી ગયાં હતાં.
આમ, ચૂંટાયેલી પાંખ અને સંગઠનની માથાકૂટ વધુ એક વખત સામે આવી હતી.
