‘મારી પત્ની 12 વર્ષના પુત્ર સાથે શારીરિક અડપલાં કરે છે, પત્નીને પરપુરુષ સાથે સંબંધો છે’; પતિની પત્ની સામે પોલીસ ફરિયાદ

દાંપત્ય જીવનમાં ખટરાગ શરૂ થાય, ત્યારે પતિ-પત્ની એકબીજાને બદનામ કરવા માટે કેટલી હદ સુધી જતાં હોય છે,
તેના પુરાવારૂપ એક કિસ્સો હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
કોર્ટના હુકમના આધારે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પતિએ પત્ની સામે ગંભીર આરોપ મૂકતા જણાવ્યું છે કે, “મારી પત્ની 12 વર્ષના પુત્ર સાથે શારીરિક અડપલાં કરે છે
અને પત્નીને પરપુરુષ સાથે સંબંધો છે” આ બનાવમાં કેટલું તથ્ય છે, તે અંગેની માહિતી મેળવવા માટે મહિલા ACPએ તપાસ શરૂ કરી છે.
શંકાએ સુખી દાંપત્ય જીવન વેરવિખેર કર્યું
વડોદરાના એરપોર્ટ વિસ્તારમાં રહેતા પૂર્વ લશ્કરી જવાન અને હાલમાં જાહેર સાહસમાં નોકરી કરતા મનોજભાઈ (નામ કાલ્પનિક છે)નાં લગ્ન સંગીતાબહેન (નામ કાલ્પનિક છે) સાથે થયાં હતાં.
લગ્ન જીવન દરમિયાન તેઓને 12 વર્ષનો પુત્ર આકાશ (નામ કાલ્પનિક છે) છે. મનોજભાઇ લશ્કરમાં નોકરી કરતા હોવાથી દાંપત્ય જીવન ખુશમય હતું.
પરંતુ, આ સુખી દાંપત્ય જીવનમાં શંકાના કીડાએ જન્મ લેતા સુખી દાંપત્ય જીવન તૂટવાના આરે આવીને ઊભું છે.
પહેલાં પત્ની સામે ફરિયાદ કરવા ગયો હતો
પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે મનોજભાઇ અને સંગીતાબહેનનો છૂટાછેડાનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
સંગીતાબહેને મનોજભાઈ સામે કોર્ટમાં ભરણપોષણનો દાવો કર્યો છે,
ત્યારે મનોજભાઈએ પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા સેવવા ઉપરાંત પત્ની પોતાના 12 વર્ષના પુત્ર આકાશ સાથે શારીરિક છેડછાડ કરી રહી હોવાની ફરિયાદ કરવા માટે પોલીસ મથકમાં ગયો હતો.
પરંતુ, પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી.
જેથી તેઓએ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં અને કોર્ટે ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કર્યો હતો.
મહિલા ACP તપાસ કરી રહ્યાં છે
કોર્ટના હુકમના આધારે હરણી પોલીસે મનોજભાઇની ફરિયાદના આધારે સંગીતાબહેન સામે ગુનો દાખલ કર્યો હતો.
આ બનાવ અંગે ACP વી.જી. પટેલે જણાવ્યું હતું કે, પતિએ પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા અને તેઓ 12 વર્ષના અમારા પુત્ર સાથે શારીરિક છેડછાડ કરતો હોવાનો આક્ષેપ મૂક્યો છે.
આ બનાવમાં આરોપી મહિલા હોવાથી આ બનાવની તપાસ મહિલા ACP રાધિકા ભારાઇને સોંપવામાં આવી છે.
ACP રાધિકા ભારાઇએ આ બનાવ અંગે કંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.