છાણીમાં આખલાએ છાતીમાં લાત મારતાં યુવક ઇજાગ્રસ્ત

શહેરમાં રખડતાં ઢોરનો પ્રશ્ન યથાવત્ છે. સોમવારે રખડતી ગાયને પગલે એક યુવકને અકસ્માત થયો હતો,
જ્યારે 18મીએ 2 આખલાની લડાઈમાં ઇજાગ્રસ્ત આખલાએ 23 વર્ષીય યુવકની છાતીમાં લાત મારી ઇજા પહોંચાડી હતી.
કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતાં ઢોરને કાબૂમાં રાખવા અને લોકોના જીવને નુકસાન ન પહોંચાડે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
છતાં રખડતાં ઢોરને પગલે લોકોને ઈજા પહોંચવાની ઘટના બની રહી છે.
ગત બુધવારે સગર્ભા મહિલાને ઈજા પહોંચ્યા બાદ તંત્ર દોડતું થયું હતું.
બીજી તરફ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા યુવકના જણાવ્યા મુજબ છાણી ભાથુજીનગરની બાજુમાં રહેતો 23 વર્ષીય યાસીન પઠાણ 18મીએ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ ઘર પાસે લડી રહેલા 2 આખલાને પગલે બહાર નીકળ્યો હતો.
લોકોએ ભગાડતાં ઇજાગ્રસ્ત થયેલા આખલાએ યાસીન પઠાણની છાતીમાં લાત મારી ઈજા પહોંચાડી હતી.
ઘટના બાદ તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
