ગરબાડા ચોકડી પર પોલીસને જોઇ દારૂ ભરેલી કાર મૂકીને ચાલક ફરાર

ઇન્દોર અમદાવાદ હાઇવે ઉપર ગરબાડા ચોકડી ઉપર પોલીસની નાકાબંદી જોઇ દારૂ ભરેલી કાર મળી ચાલક ફરાર થઇ ગયો હતો.
ગાડીમાંથી 55,488 રૂપિયાની 527 બોટલો સહિત કાર મળી કુલ 1,55,488 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એલ.સી.બી.એ ચાલક વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
દાહોદ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તીઓ ઉપર અંકુશ લાવી વધુમાં વધુ પ્રોહી કેસો શોધી કાઢવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી.
જે અનુસંધાને એલ.સી.બી. ઇ.પી.આઇ. એમ.એફ. ડામોરની સુચનામાં મદદનીશ પોસઇ એમ.એસ.મેવાડા તથા સ્ટાફના હરપાલસિંહ નટવરસિંહ, રિકેશભાઇ ચિમનભાઇ દાહોદમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન પી.આઇ. એમ.એમ.ડામોરને ભાભરા (મધ્યપ્રદેશ) બાજુથી એક અરબાજખાન સનાવરખાન પઠાણ કારમાં દારૂનો જથ્થો ભરી દાહોદ થઇ લીમખેડા તરફ જવાનો હોવાની બાતમી મળી હતી.
જેના આધારે એલ.સી.બી.ની ટીમ ગરબાડા ચોકડી ઉપર વોચમાં રાત્રીના 9.30 વાગ્યાના અરસામાં બાતમીવાળી ગાળી આવતાં પોલીસની નાકાબંધી જોઇ ચાલક અરબાજખાન સનાવરખાન પઠાણ ગાડી રોડની બાજુમાં કરી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો.
જ્યારે ગાડીમાં તપાસ કરતાં પાછળના ભાગે તથા ડીકીમાંથી 55,488 રૂપિયાની ઇંગ્લિશ દારૂ તથા ટીન બિયરની કુલ 527 બોટલો મળી આવી હતી.
જથ્થો તથા 1 લાખની ગાડી મળી કુલ 1,55,488 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અરબાજખાન સનાવરખાન પઠાણ વિરુદ્ધ દાહોદ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.