ડભોઇના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ડભોઇના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસમાં જોડાયા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલની હાજરીમાં ભારતીય જનતા પક્ષના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં જાડાયા હતા.
આ દરમિયાન જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપના પાયાના કાર્યકર અને દિગ્ગજ નેતા બાલકૃષ્ણ પટેલને અમે કોંગ્રેસ પક્ષમાં આવકારીએ છીએ
અને આજ રીતે ભૂતકાળમાં જીલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ ધારાસભ્યો અને ભાજપના નેતાઓ પણ જ્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યાં છે
ત્યારે ખરા અર્થમાં ગુજરાતમાં પણ ‘ભારત જોડો’ અભિયાનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
ભાજપમાં પાયાના કાર્યકરોની અવગણના: બાલકૃષ્ણ પટેલ
ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, મેં ભાજપમાં જિલ્લા પ્રમુખ તરીકે કાર્ય કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપને વિજયી બનાવી હતી.
ડભોઇના ધારાસભ્ય તરીકે પણ સેવાઓ આપી હતી.
ભાજપમાં પાયાના કાર્યકર્તાઓની સતત અવગણના થઇ રહી છે.
ગુજરાતના ખેડૂતોને પણ ખૂબ અન્યાય થઇ રહ્યો છે.
ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગને ન્યાય માત્ર કોંગ્રેસ જ આપી શકે એમ છે.
તેથી હું સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયો છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં ડભોઇ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય શૈલેષ સોટ્ટોનો વિજય થયો હતો.