હાર્દિકને વિરમગામથી ભાજપની ટિકિટ ફાઇનલ, નવરાત્રિથી પ્રચાર શરૂ કરી દીધો

પાટીદાર આંદોલનોની નિસરણીનો ઉપયોગ કરી રાજકારણના માંચડે ચડેલા હાર્દિક પટેલ હવે ભાજપની ટિકિટ પર વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્દિકની ટિકિટ ફાઇનલ છે
અને તેને લઇને હાર્દિક અને તેની પત્ની કિંજલ બન્ને પ્રચાર માટે લાગી ગયા છે.
હમણાં જ વિરમગામમાં હારિદકે નવરાત્રિ અને શરદપૂનમના ગરબા યોજીને પોતાનો પ્રચાર વધુ વેગવંતો બનાવ્યો છે.
હાર્દિકે આ ગરબા મહોત્સવમાં આઇ લવ વિરમગામ જેવું સૂત્ર આપીને સ્થાનિક યુવાનો અને તેમાંય પાટીદાર યુવાનોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે.
આ ઉપરાંત વિરમગામમાં સંગઠનની બેઠકો અને કાર્યકર્તા સંમેલન પણ હાર્દિકે યોજીને છ મહિના પહેલા ભાજપમાં જોડાયેલા હાર્દિકે સ્થાનિક આગેવાનોને પોતાની પડખે કર્યાં છે.
સરકારમાં કે સંગઠનમાં કોઇ હોદ્દો ન હોવા છતાં હાર્દિક વિરમગામમાં ચાલતાં વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરે છે.
આ તરફ ભાજપમાં પહેલેથી રહેલા અને પાછલાં અમુક વર્ષોમાં જોડાયેલા લોકો હાર્દિકને ટિકિટ મળે તેવા સમીકરણોથી ખુશ નથી.
હાર્દિક જીતે તો પણ મંત્રી પદ મળે તે નક્કી નથી
પ્રદેશ સંગઠન હાર્દિકને જીતાડવા માટે પૂરતા પ્રયત્નો કરશે.
આ સિવાય અહીંના સ્થાનિક આગેવાનો કે જેમને ટિકિટની અપેક્ષા જ નથી તેઓ હાર્દિક સાથે જ રહેશે.
છતાં હાર્દિક ચૂંટણી જીતે અને ભાજપની સરકાર બને તો તેને મંત્રીપદ મળશે કે નહીં તે બાબતની કોઇ સ્પષ્ટતા નથી.
નળકાંઠા સહિતના ગામોમાં હાર્દિકનો પ્રવાસ
છેલ્લાં ચારથી પાંચ મહિનામાં હાર્દિકે વિરમગામ બેઠક હેઠળ આવતા નળકાંઠા સહિતના વિસ્તારોનો પ્રવાસ કર્યો છે.
અહીંના કોળી સમાજ ઉપરાંત ઠાકોર સમાજના લોકો સાથે પણ હાર્દિકે મુલાકાત કરી લીધી છે.
ગરીબ વિદ્યાર્થીઓને ટેબલેટ્સ વહેંચ્યા
હાર્દિકે પ્રચાર હેતુથી વિરમગામ ક્ષેત્રમાં આવતી શાળાના વિદ્યાર્થીઓને ટેબલેટ્સ અને નોટબુક્સનું વિતરણ કર્યું હતું.
આ ઉપરાંત તે અહીં ધાર્મિક અને સામાજિક સંમેલનોમાં પણ હાજરી આપે છે.