નોરતાથી વિજયાદશમી સુધીમાં 45 કરોડની 450 મોટરકારનું વેચાણ

નવરાત્રિના આરંભથી આજે વિજયા દશમીના પર્વે સુધીના 10 દિવસમાં ભાવનગરના જુદા જુદા મોટરકારના શો-રૂમમાંથી 450થી વધુ કારની ખરીદી થતા કારના વેપારીઓને આ દશેરામાં જ દિવાળી આવી ગઇ છે.
નવરાત્રિથી દશેરા સુધી વાહનો, પ્રોપર્ટી, ફર્નીચર અને અન્ય પ્રકારની ખરીદારી માટે શુભ હોય ખાસ કરીને આ વખતે મોટર કારની સારી ખરીદી થઇ હતી.
એક અંદાજ મુજબ 45 કરોડની મોટરકારની ખરીદી ભાવનગરમાં થઇ હતી. જે ગત વર્ષે 11 કરોડની મોટરકારની ખરદીથી ચાર ગણી વધુ છે.
ભાવનગરમાં નોરતાથી દશેરા સુધીની મોટરકારની થયેલી ખરીદી અંગે ટોયોટા શો-રૂમના રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે અમારે ટોયોટાની 60 જેટલી કારની ખરીદી થઇ છે
અને ખાસ તો તેમાં ફોર્ચ્યુનર-લેઝેન્ડર જે 47 લાખની એક કાર છે તે પાંચ કારની ખપત થઇ હતી.
જ્યારે હુન્ડાઇ શોરૂમમાં 35 કારની ખરીદી થઇ હતી.
જેમાં 19 લાખની કિંમતની અલ્ટ્રાઝારની 3 કારની ખપત થઇ હતી.
ટાટા શો-રૂમમાંથી 60 મોટરકારની ખપત થઇ હતી.
તો કિયા કારની 45 કાર ખપી ગઇ હતી.
જેમાં 20 લાખની કિંમતના મોડેલની 9 કાર ખપી હતી.
જ્યારે માર્કેટ લિડર મારૂતિ કારમાં કટારિયામાં 100 તેમજ મારૂતિ નેક્સામાંથી 80 મળીને કુલ 180 મોટરકારની ખરીદી આ નોરતા-દશેરા દરમિયાન થઇ હતી.
ભાવનગરમાં મહિન્દ્રાના શો-રૂમમાંથી 70 કારની ખપત થઇ છે જેમાં એસયુવી-700 મોડેલ જેની કિંમત 27 લાખ છે
તેવી 5 કારની ખપત થઇ હતી.
આમ ભાવનગર ખાતે દ્વી-ચક્રીય અને ફોર વ્હીલર વાહનોના શો-રૂમોમાં નવરાત્રી અને દશેરાના પર્વે દ્વી-ચક્રીય અને ફોર વ્હીલર વાહનોની ખરીદીમાં બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.
કોરોનામાં બે વર્ષ બાદ હવે વાહન વેચનારાઓ માટે તેજીનો સંચાર થયો છે.
આથી કારના વેપારીઓને આ વખતે દશેરામાં જ દિવાળી જેવો માહોલ થયો છે.
કોરોનાની વિદાય બાદ ધંધા, રોજગારની સ્થિતીમાં સુધારો થતા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બની છે.
પરિણામે લોકો હવે વાહનોની ખરીદી કરી રહ્યા છે.
આ ઉપરાંત શહેરમાં નોરતાના સમાપન બાદ આજે વિજયા દશમી એટલે દશેરાની ઉજવણી કરવામાં આવી
જેમાં લોકો એ ગરબો વળાવી(ઉથાપન) કરી જલેબી, ચોળાફળી જેવી સ્વાદિષ્ટ વાનગીઓની ભરપેટ જ્યાફત માણી પર્વની ઉજવણી કરી હતી.
ઝલેબી-ચોળાફળી, ફાફડા સહિતની ધૂમ ખરીદી કરી હતી.