મોદીના કાર્યક્રમમાં કાળા વાવટા બતાવનાર 4 કોંગી નેતાને પાસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના લિંબાયતમાં તા. 29મીએ યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસના 4 નેતાઓએ કાળા વાવટા દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ 4 નેતાઓ સામે છેડતીનો આરોપ દાખલ કરીને પોલીસે ધરપકડ કર્યા પછી જામીન પર છૂટી જતા તેમની સામે પાસાના કેસ કરવામાં આવ્યા છે.
જેના પગલે વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
સુરતના લિંબાયત ખાતે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન સુરત કોંગ્રેસના આગેવાનો કિશોર શિંદે,ગુલાબધર યાદવ,સંતોષ શુકલા અને આશિષ રાય દ્વારા કાળા વાવટા દેખાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ કહ્યું હતું કે, આ ચારેય આગેવાનોએ નીલગિરિ સર્કલ પર વિરોધ વ્યકત કરતા તેમને લિંબાયત પોલીસે ડિટેઇન કર્યા હતા.
પોલીસે કોઇ ગુનો નોંધ્યાની પરિવારને સાંજ સુધી જાણ ન કરી અને આ પછી એકાએક છેડતીનો ગુનો દાખલ કરીને બે એફઆરઆઇ દાખલ કરાઇ હતી.
બીજા દિવસે તેમને જામીન મળી ગયા પણ આ પછી પોલીસે ફિંગર પ્રિન્ટ લેવી છે
તેવું કહીને તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.
આ સમયે એકાએક તેમની સામે પાસા કરીને જૂદી જૂદી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
રાઠવાએ આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરીને વિરોધ કરવાના ગુનામાં પાસા જેવા ગંભીર ગુના લગાડીને સરકારે લોકશાહીની હત્યા કરી છે તેવી લાગણી વ્યકત કરી હતી.
