ભાજપના MLA શૈલેષ સોટ્ટાએ કહ્યું: ‘હવે પૂર્વ ધારાસભ્ય બોલવુ અઘરું લાગે છે, બે-ત્રણ મહિના પછી ધારાસભ્ય સતિષભાઈ બોલતા થઈએ’

વડોદરા તાલુકાના ફતેપુરા ગામ નજીક યોજાયેલા શસ્ત્ર પૂજાના કાર્યક્રમમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ કરજણના પૂર્વ ધારાસભ્ય વિષે કરેલા નિવેદનથી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
શૈલેષ સોટ્ટાએ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, ‘હવે પૂર્વ ધારાસભ્ય બોલવુ અઘરું લાગે છે,
એકાદ-બે મહિનામાં કાઢી નાખશો ને, બે-ત્રણ મહિના પછી ધારાસભ્ય સતિષભાઈ ફરીથી બોલતા થઈએ’ ભાજપે હજી કોઈ ઉમેદવારોના નામ જાહેર કર્યાં નથી,
ત્યારે શૈલેષ સોટ્ટાના નિવેદનથી વડોદરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
શેલૈષ સોટ્ટાના નિવેદનથી વિવાદ
વડોદરામાં શસ્ત્ર પૂજાના કાર્યક્રમમાં ધારાસભ્યએ આપેલા ચોંકાવનારા નિવેદનથી ભાજપમાં વિવાદ સર્જાયો છે.
વડોદરા તાલુકાના ફતેપુરા ગામ નજીક આવેલા ફાર્મ હાઉસમાં યોજાયેલા શસ્ત્ર પૂજાના કાર્યક્રમમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા, કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ સહિતના અલગ-અલગ પક્ષના નેતાઓ અને ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતા.
આ કાર્યક્રમમાં સંબોધન કરવા ઊભા થયેલા ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ સ્ટેજ પર બેઠેલા પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલનો ઉલ્લેખ કરી લોકોને સંબોધતા કહ્યું હતું કે, અમારા મિત્ર અને પૂર્વ ધારાસભ્ય બોલવું અઘરું લાગે છે.
એકાદ બે મહિનામાં કાઢી નાખશો ને ? બે-ત્રણ મહિનામાં ધારાસભ્ય સતિષભાઈ ફરીથી બોલતા થઈએ.
કરજણમાં કોને ટિકિટ મળશે તેની ચર્ચાઓ શરૂ
વિધાનસભાની ચૂંટણી પૂર્વે શૈલેષ મહેતાએ આપેલા નિવેદનથી ભાજપમાં ભારે વિવાદ થયો છે.
બિન રાજકીય કાર્યક્રમમાં રાજકીય ભાષણ થતાં ઠાકોર સમાજના લોકોમાં પણ ભારે નારાજગી ફેલાઇ છે
અને કરજણમાં કોને ટિકિટ મળશે તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
અક્ષય પટેલની ટિકિટ કપાશે?
ઉલ્લેખનિય છે કે, વર્ષ| 2017ની ચૂંટણીમાં કરજણ બેઠક પર કોંગ્રેસમાંથી અક્ષય પટેલ જીત્યા હતા.
જોકે, ત્યાર બાદ અક્ષય પટેલ ભાજપમાં જોડાઈ ગયા હતા.
જેથી કરજણ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.
જેમાં કરજણ બેઠક પર ભાજપમાંથી અક્ષય પટેલ જીત્યા હતા.
હવે શૈલેષ સોટ્ટાના આ નિવેદનથી અક્ષય પટેલ પણ ચિંતામાં મુકાઈ ગયા છે.