પ્રથમ નોરતે જ પાવાગઢ મંદિરે 4 લાખ ભક્તોએ માતાજી સમક્ષ શિશ નમાવ્યું

પાવાગઢમાં સોમવારથી આસો નવરાત્રીની શુભ શરૂઆત થતા પહેલા નોરતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
મંદિર ટ્રસ્ટ દ્વારા સવારે 4 કલાકે મંદિરના નિજ દ્વાર ખુલ્લા મુકાયા હતા. સવારે 9 સુધીમાં જ દોઢ લાખ ઉપરાંત ભક્તોએ દર્શન કરી લીધા હતા
અને મોડી સાંજ સુધી 4 લાખને આંકડો પાર કરી ગયો હતો. 2 હજાર લોકો એક સાથે દર્શન કરી શકે તેવંુ વિશાળ પરિસર બન્યું હોઇ અહીં લાખોની સંખ્યામાં આવેલ દર્શનાર્થીઓને સરળતા રહી હતી.
નવરાત્રી દરમિયાન પાવાગઢ તળેટીથી માચી જતા વાહનો માટે ખાનગી વાહનો માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
આથી એસટી વિભાગ દ્વારા 50 બસો મુકાઇ છે. જોકે પહેલા નોરતે માચી ખાતે ડ્રાઈવર કન્ડક્ટરોએ મનમાની કરી બસો સમયસર ન મૂકતાં કલાકો સુધી યાત્રાળુઓને લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું.
તો કેટલાક નાના બાળકો સાથે આવેલા પરિવારો કંટાળી ચાલતા નીચે ઉતરી જઈ એસટી વિભાગ સામે રોષ ઠાલવ્યો હતો.
પાવાગઢના માચી ખાતે આજે કીર્તિદાન ગઢવીનો કાર્યક્રમ
સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 27 સપ્ટેમ્બરે બીજા નોરતે પાવાગઢ માચી ખાતે ચાચર ચોકમાં પ્રસિદ્ધ લોક ગાયક કીર્તિદાન ગઢવીનો સાંજે 7થી રાતના 10 દરમિયાન કાર્યકમ યોજાશે. કીર્તિદાન ગઢવી ખ્યાતિ ધરાવતા હોઇ તેમના કાર્યકમમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો રાજ્યભરમાંથી આવશે.
ચાચર ચોકમાં પ્રેક્ષકોની ક્ષમતા બેથી અઢી હજારની ગણી શકાય.
બીજી બાજુ તળેટીથી માચી સુધી ખાનગી વાહનો લઈ જવા સામે નવરાત્રી દરમિયાન જાહેરનામું હોઇ આ કાર્યકમ નિહાળવા આવનાર પ્રેક્ષકોને માચી સુધી પહોંચવા પોતાના વાહનો નીચે મૂકી બસ દ્વારા જવું પડશે, ત્યારે પ્રેક્ષકો અને ફરજ બજાવતી પોલીસ સાથે વાદવિવાદ સર્જાઇ શકે છે.