નવરાત્રી પર્વને લઇ રણુ તુળજા માતા મંદિર રોશનીથી ઝળહળ્યું

આગામી આસો સુદ એકમને 26 સપ્ટેમ્બરના રોજ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે,
ત્યારે પાદરા તાલુકાના રણુ ગામે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી તુળજા માતાના મંદિર ખાતે આ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જે અંતર્ગત મંદિરને રોશનીથી સુશોભિત કરી શણગારવામાં આવ્યું છે.
આ મંદિરના મહંત પરમ પૂજ્ય કવિન્દ્રગીરીજીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સંવત 2078 આ આસો સુદ એકમ તારીખ 26/9/22ને સોમવારથી આસો સુદ દસમ તારીખ 5/10/22ને બુધવાર દરમિયાન માતાના સાંનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે.
ઘટસ્થાપન તારીખ 26/9/22 ને સોમવારે સવારે 7 કલાકે થશે, દુર્ગાષ્ટમી તારીખ 3/10/22 સોમવારે માતાના દર્શનાર્થ આવતા તમામ ભક્તોના શ્રેયાંશે ચંડી યજ્ઞ થશે.
શ્રીફળ હોમવાનો સમય સાંજના 4 કલાકે છે તે દિવસે આઠમનો મેળો ભરાશે. તારીખ 5/10/22ને બુધવારે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ સવારે 11:00 કલાકે માતાજીને મહાપ્રસાદ ધરાવાશે.
ત્યાર પછી બટુક કુમારીકાઓ બ્રાહ્મણો ભક્તો મહાપ્રસાદ ગ્રહણ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ મંદિર ખાતે માતા તુલજા ભવાની હાજરા હજૂર હોવાનું કહેવાય છે
અને આ મંદિર ખાતે માતાજીનો ઇતિહાસ સર્જાયેલો છે.
આ મંદિરમાં નવરાત્રી દરમિયાન વડોદરા આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે.
વડોદરાના શ્રીમંત મહારાજે માતાના ચરણોમાં અર્પણ કરેલા આભૂષણો આજે પણ માતાને આઠમેે પહેરાવાય છે.
હાલમાં આ મંદિર ખાતે મહંત શ્રી કવીન્દ્રગીરીજી મહારાજ છે. પૂ.રાજેન્દ્રગીરીજીનો દેહ વિલય થતા તેમણે આ ધામનું સુકાન સંભાળ્યું છે.
