ગુજરાતમાં નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી

કોરોના મહામારીના ત્રણ વર્ષ બાદ રાજ્યમાં ફરી મોટાપાયે નવરાત્રી દરમિયાન ગરબાના આયોજન થઇ રહ્યા છે
અને ખેલૈયાઓમાં જોમ અને ઉત્સાહ છે ત્યારે આ ઉત્સાહને અકબંધ રાખવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં રાત્રે 12 વાગ્યા સુધી ગરબા અને લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે.
આ માટે ગૃહ વિભાગે જાહેરનામુ પણ બહાર પાડ્યું છે.
રાત્રે 12 વાગ્યા સુધી ગરબાની મંજૂરી
એક દિવસ પહેલા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નવરાત્રિમાં રાત્રે 10 વાગ્યા સુધી જ ગરબાને મંજૂરી આપવાનો પરિપત્ર જાહેર કર્યો હતો
જેનો વિરોધ થયો હતો અને ત્રણ વર્ષ બાદ નવરાત્રીમાં ગરબા મહોત્સવનું આયોજન થતું હોવાથી 12 વાગ્યા સુધીની મંજૂરી આપવાની માંગણી ઉઠી હતી.
સરકારે આ લાગણીને વાચા આપીને સમગ્ર રાજ્યમાં રાત્રે 12 વાગ્યા સુધી ગરબાની મંજૂરી આપી છે.
ગૃહ વિભાગના જાહેરનામામાં જણાવ્યા મુજબ વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામાથી નોઇસ પોલ્યુશન રૂલ્સ 2000 મુજબ નવરાત્રીના 9 દિવસ, દશેરા અને જન્માષ્ટમીના એક એક દિવસ એમ વર્ષમાં કુલ 11 દિવસ દરમિયાન રાત્રીના 10થી 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર- પબ્લીક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની મંજૂરી
ગૃહ વિભાગ દ્વારા આ અંગે ડીજીપી ઉપરાંત તમામ પોલીસ કમિશનર, તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર અને તમામ પોલીસ અધિક્ષકને પણ જાણ કરવામાં આવી છે.
પ્રજાજનોની લાગણીને સર્વોપરિતા આપી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની મંજૂરી અપાઇઃ હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું હતું કે ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર- પબ્લીક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
સ્કૂલ- હોસ્પિટલ વિસ્તાર સાયલન્સ ઝોન જાહેર કરી શકાશે
વન અને પર્યાવરણ વિભાગના જાહેરનામા પ્રમાણે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસનો 100 મીટર કે તેથી વધુ વિસ્તાર સાયલન્સ એરીયા કે ઝોન તરીકે જાહેર કરી શકાશે.
એટલે કે આવી સંસ્થાઓની આસપાસ લાઉડ સ્પીકરની મંજૂરી આપી નહીં શકાય.