મોઢવામાં ખેતરમાં કામ કરતા મહિલા સહિત 2 વ્યક્તિ પર દીપડાનો હુમલો

ધાનપુર તાલુકાના મોઢવા ગામના નદીના પટ નજીકના ખેતરમાં કામ કરતા એક મહિલા અને પુરુષ પર અલગ અલગ સમયે દીપડાએ હુમલો કરી ઈજાગ્રસ્ત કરતા ખેતરોમાં કામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી.
ધાનપુર તાલુકાના મોડવા ગામમાંથી પસાર થતી નદીના પટના વિસ્તારોમાં ખેતરોમાં બપોરના સમયે કામ કરી રહ્યા હતા.
ત્યારે ખેતરોમાં ક્યાંક છુપાઈને બેઠેલા દીપડાએ ખેતરમાં કામ કરતી 45 વર્ષિય પટેલ નિશાબેન અરવિંદભાઈ પર હુમલો કર્યો હતો.
હુમલાના પગલે નિશાબેને બૂમાબૂમ કરતા ગળાના ભાગે તેમજ પીઠના ભાગે દીપડાએ ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલો લગભગ બપોરના 12.30ની આસપાસ થવા પામ્યો હતો.
ત્યાર બાદ એ ખેતરથી 200 મીટરના અંતરે બીજા ખેતરમાં દોઢ કલાક બાદ પટેલ અમરાભાઇ પુનાભાઈ ઉંમર વર્ષ 55 પર પણ અચાનક દીપડાએ હુમલો કરતા તેને પણ છાતીના ભાગે તેમજ હાથના પંજા ઉપર હુમલો કરતા તે ઇજાગ્રસ્ત થયા હતાં.
દીપડાના હુમલાના પગલે બંને મોડવા ગામના ઇજાગ્રસ્તોને દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાને જાણ વન વિભાગ ધાનપુરને તથા વન વિભાગના વન કર્મી અરવિંદભાઈ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
ખેતરોમાં કામ કરતા મોઢવા ગામના લોકોમાં દીપડાનો ભય ફેલાયો હતો.
ત્યારે બપોર બાદ કોઈપણ વ્યક્તિઓ ખેતરોમાં કામ કરવા જવા માટે ડરી રહ્યા હતા.
ગામ લોકોની લોકમાં માગ છે કે આવા હુમલાપુર દીપડાને પાંજરું મુકીને સત્વરે ઝડપી પાડવામાં આવે તેવી સ્થાનિક ગામ લોકોની માગણી છે.
અગાઉ નઢેલાવ અને સંજેલીમાં પણ દીપડો દેખાયો હતો
દાહોદ : દાહોદ જિલલામાં ધાનપુર તો જંગલ વિસ્તાર છે
ત્યાં રીછ અને દીપડો અવાર નવાર દેખાતો હોય છે.
પરંતુ છેલ્લા થોડા સમય અગાઉ ગરબાડા તાલુકાના નઢેલાવમાં પણ દીપડો દેખાયો હતો.
સીસીટીવીમાં કેદ થયા બાદ વન વિભાગ દ્વારા પાંજરૂ મુકવામાં આવ્યુ હતુ.
તેવી જ રીતે સંજેલી તાલુકામાં પણ દીપડાએ બે પશુનું મારણ કર્યુ હોવાનું જાણવા મળ્યુ હતું.
જેના પગલે સ્થાનિક રહિશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
જોકે ત્યાં પણ પાંજરૂ મુકાયુ હતું.
પણ બંને જગ્યાએ દીપડો પકડાયો ન હતો.