વડોદરાની સેન્ટ્રલ જેલમાં કાચા કામના 7 કેદીએ ફિનાઈલ ગટગટાવ્યું, જેલ સત્તાધિશો માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ
![પ્રતીકાત્મક તસવીર:વડોદરાની સેન્ટ્રલ જેલમાં કાચા કામના 7 કેદીએ ફિનાઈલ ગટગટાવ્યું, જેલ સત્તાધિશો માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ](https://cpnews24.in/wp-content/uploads/2022/09/32.webp)
વડોદરાની સેન્ટ્રલ જેલમાં 7 જેટલા કાચા કામના કેદીઓએ જેલ તંત્રના ત્રાસના પગલે ફિનાઈલ પી લેતા ખળભળાટ મચી ગયો હતો.
ફિનાઈલ પીનાર કેદીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ફિનાઈલ પીનાર કેદીઓએ આક્ષેપ કર્યો છે કે, જેલ સત્તાવાળાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને વ્હાલા-દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
સેન્ટ્રલ જેલ સત્તાધિશો સામે સવાલો ઉઠ્યા
આજે વડોદરાની સેન્ટ્રલમાં કેદીઓની સુરક્ષા સામે સવાલો ઉભા થાય તેવી ઘટના સામે આવી છે.
આજે સાંજે વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલા હર્ષિલ લિંબાચીયા સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ ગટગટાવી દીધું હતું.
નોંધનીય છે કે, હર્ષિલ લિંબાચીયા સામે એડમીશન અને નોકરી મામલે છેતરપિંડીની અનેક ફરિયાદો નોંધાયેલી છે.
જ્યારે અભી ઝા પાદરામાં મર્ડર કેસમાં ભારે ચર્ચામાં રહ્યો હતો.
આ બન્ને આરોપીઓ સહિત 7 કાચા કામના કેદીઓએ ફિનાઈલ ગટગટાવી લેતા એસએસજી હોસ્પિટલ ખાતે લાવવવામાં આવ્યા હતા. જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે.
ટિફિન આપવા દેતા નથી
વડોદરાના હર્ષિલે હોસ્પિટલના બિછાનેથી જેલ તંત્ર પર આરોપ મુકતા જણાવ્યું હતું કે, મને જેલમાં ત્રાસ આપે છે.
જેલના સાહેબ મને હેરાન કરે છે. મને હાઈ સિક્યોરિટીમાં મૂકી દીધો છે.
સાહેબ મારી પાસેથી હાઈ સિક્યોરિટીમાંથી બહાર કાઢવા માટે પૈસાની માગણી કરે છે.
અન્ય કેદીએ જણાવ્યું હતું કે, સુપરિટેન્ડેન્ટ બહુ ત્રાસ છે. જેલમાં બહુ ત્રાસ આપી રહ્યા છે.
બહાર નીકળવા દેતા નથી. બંધ રાખે, ટિફિન ન આવવા દે, ટિફિન આવે તો અલગ કરી નાંખે,
ગેટથી અમારું ટિફિન ઢોળી નાંખે, જમવાનું પુરું ન આવવા દે, આથી અમે કાળી ફિનાઈલ પીધી છે. બધા કાચા કામના કેદી છે.
અમને બેરેકમાં જ બંધ રાખે છે
હોસ્પિટલના બિછાનેથી વધુ એક અન્ય કેદીએ જણાવ્યું હતું કે, મને બિપીની બીમારી છે. મને જેલમાં દવાખાને પણ જવા દેતા નથી.
ફિનાઈલ જેલ સ્ટાફ લઈને આવ્યા હતા. ખોટી રીતે પૈસાની માગણી કરવામાં આવે છે.
બધાને હેરાન કરી દીધા છે. અમારી માગ છે કે, જેલના અધિકારીને બદલો. ત્રણ-ચાર મહિના સુધી 24 કલાક બંધ કરી દે છે.
ફિનાઈલ પીનાર અમે એકબીજાને નથી ઓળખતા.
કેદીઓ પાસે ફિનાઈલ કેવી રીતે આવ્યું?
આ ઘટનાને પગલે શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
તો બીજી તરફ જેલમાં ફિનાઈલ આટલા બધા કેદીઓ સુધી કેવી રીતે પહોંચ્યું સહિતના અનેક સવાલો ઉઠ્યા છે.
આ બનાવ અંગે પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
જેલમાં બનેલા આ બનાવે જેલ સંકુલમાં હાહાકાર મચાવી મૂક્યો હતો.
ક્યાં કેદીઓએ ફિનાઈલ ગટગટાવ્યું ?
હર્ષિલ લીંબાચિયા, અભિ આનંદ ઝા, માજીદ ભાણ, સલમાનખાન પઠાણ, સાજીદ અક્બર કુરેશી, સોહેબ કુરેશી તથા અન્ય એક કેદી કુલ 7 કાચા કામના કેદીએ ફિનાઈલ ગટગટાવી લેતા જેલ સંકુલમાં અફરાતફરી મચી હતી.
જેલમાં કાચા કામના કેદીઓએ ફિનાઈલ ગટગટાવી લીધું હોવાની જાણ તેઓના પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકોને થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
પરિવારજનોએ પણ જેલ સત્તાધિશો સામે રોષ ઠાલવ્યો હતો.
કાચા કામના કેદીઓની તબિયત સારી છે
આ બનાવ અંગે જેલ સુપરિટેન્ડેન્ટ બલદેવસિંહ વાઘેલાનો સંપર્ક સાધતા તેઓએ ફોન રિસિવ કર્યો નહોતો.
પરંતુ, શહેર પોલીસ તંત્રના DCP અભય સોનીએ જણાવ્યું હતું કે, વડોદરા જેલમાં કાચા કામના કેદીઓએ ટિફિન આપવા દેવાની બાબત સહિત વિવિધ પ્રશ્નો અંગે ફિનાઈલ અને અથવા સાબુનું પાણી પી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
તમામની તબિયત સારી છે. આ અંગે તપાસ થયા બાદ ચોક્કસ માહિતી બહાર આવશે.
હર્ષિલે જ અન્ય કેદીઓને ઉશ્કેર્યા હોવાનું અનુમાન
એડમિશન અને નોકરીના બહાને અનેક લોકો સાથે છેતરપીંડી અંગેની અનેક ફરિયાદો જેની સામે થઈ છે
એવો મહા ઠગ હર્ષિલ લીંબચિયા આખા નાટકનો સૂત્રધાર હોવાનુ મનાય છે.
અગાઉ પણ યુપી પોલીસથી બચવા કોર્ટમાંથી ભાગી હર્ષિલે SSGમાં દાખલ થઈ પોલીસ ઉપર આક્ષેપ કર્યા હતા.
માંજલપુર પોલીસના એ સમયના પીઆઇ સાથે ઘરોબો ધરાવતા હર્ષિલે વૈભવી કાર ખરીદવાના બહાને એજન્ટને છેતર્યો હતો.
જેલમાં અન્ય કેદીઓને તેણે જ ઉશ્કેર્યા હોવાનુ પોલીસનું અનુમાન છે.
હાલ બધા કેદીની હાલત સ્વસ્થ
ફિનાઇલ પીવાથી ખાંસી ચઢે, શ્વાસમાં તકલીફ, ઉલ્ટી અને માથું દુખે છે.
થોડી માત્રામાં પણ ફિનાઇલ પીવાથી નુકસાન થયા છે.
ફિનાઇલ પીવાથી અન્નનળી અને શ્વાસનળીને નુકસાન પહોંચે છે.
હાલ બધા જ દર્દીઓ સ્વસ્થ છે. > ડો આર.બી.ચુડાસમા, MLO