સાણંદ- વિરમગામ હાઇવે પર ખોડા ચંદ્રાસણ રોડ પર ક્રિસ્ટલ એગ્રો નામની ખાનગી કંપનીમાં ભીષણ

સાણંદ વિરમગામ હાઇવે પર ખોડા ચંદ્રાસણ રોડ ઉપર આવેલ ક્રિસ્ટલ એગ્રો નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા સાણંદ, અમદાવાદની ફાયર ફાયરની ગાડી સહીત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતાં.
ભીષણ આગ 8 કલાક બાદ કાબુમાં આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.
સૂત્રોના જાણવ્યા અનુસાર મંગળવારે સાણંદના ખોડા ચંદ્રાસણ રોડ ઉપર કડી તાલુકા વિસ્તારમાં આવતી ક્રિસ્ટલ એગ્રો નામની ખાનગી કંપનીમાં રાત્રે 8 વાગ્યાંના સુમારે કંપનીમાં પ્લાસ્ટિક અને ભંગારમાં અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી.
જેને લઈને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા સાણંદ નગરપાલિકાના ફાયર બ્રિગેડના ધવલ પટેલ અને કમલ નાય તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો.
જો કે આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા અમદાવાદ મ્યુ. ની ફાયર બ્રિગેડની 3 ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી.
સાથે સાથે ઘટનાની ગંભીરતાને લઈને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષક કર્યું હતું.
બીજી તરફ સાણંદ જીઆઈડીસી, બાવલું પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આગની જાણ આસપાસના ગામના લોકોને થતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
અંદાજે વહેલી સવારે 4 વાગ્યાંના સુમારે એટલે કે આશરે 8 કલાક બાદ ભીષણ આગ કાબુમાં આવી હતી.
આ ઉપર કાબુ મેળવા ફાયર બ્રિગેડને આશરે 3 લાખ લીટર કરતા વધુ પાણીનો મારો ચાલવામાં આવ્યો હતો.
આગની ઘટનામાં સાણંદ ફાયર બ્રિગેડના ધવલભાઈ પટેલ સહીત અન્ય 3 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.
જો કે ઇજાગ્રસ્ત ફાયર બ્રિગેડના ધવલ પટેલ સતત આગ ઉપર કાબુ મેળવવા ફરજ રહ્યા હતા.
હાલ સુધી આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.