ગુજરાતથી લમ્પીને પ્રવેશતો રોકવા MP બોર્ડર પર એલર્ટ

દાહોદ જિલ્લાના દરેક તાલુકાના પશુઓમાં લમ્પી વાઈરસ જોવા મળી રહ્યો છે.
દરરોજ તેના નવા-નવા કેસ પ્રકાશમાં આવી રહ્યા છે.
પશુપાલન વિભાગ મુજબ હાલમાં દાહોદ જિલ્લામાં 111 પશુ લમ્પી વાઈરસથી પીડિત છે.
દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલો છે.
ત્યારે સૌ પ્રથમ રાજસ્થાનમાં લમ્પી વાઈરસના કેસો આવ્યા બાદ દાહોદ જિલ્લામાં તેના કેસો પ્રકાશમાં આવ્યા હતાં.
મધ્યપ્રદેશને અડીને આવેલા દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પશુઓમાં લમ્પી વાઈરસ જોવા મળતાં મધ્ય પ્રદેશના બોર્ડર વિસ્તારમાં ત્યાંનું પશુપાલન વિભાગ એલર્ટ જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાંથી લમ્પી વાઈરસ મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારના પશુઓમાં ન ફેલાય તે માટે યુદ્ધના ધોરણે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશના ઝાબુઆ અને અલીરાજપુર જિલ્લામાં હાલમાં સ્થિતિ કાબૂમાં છે.
અલીરાજપુરમાં લમ્પી વાઈરસનો એક જ કેસ જોવા મળ્યો હતો અને તે પણ સાજો થઇ ગયો છે
પંરંતુ દાહોદ જિલ્લાની સ્થિતિ જોઇને આગમચેતીના પગલાના ભાગરૂપે જિલ્લાને અડીને આવેલા મધ્ય પ્રદેશના બોર્ડર વિસ્તારના ગામોમાં વેક્સિનેશન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મ.પ્રના કયા વિસ્તારમાં વેક્સિનેશન શરૂ કરાયું
ગુજરાતના દાહોદ જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશના ગામડાઓમાં યુદ્ધના ધોરણે વેક્સિનેશન માટે 70 કર્મચારીની ટીમો ખડકી દેવામાં આવી છે.
આ વેક્સિન સોંડવા, બરઝર, કઠ્ઠીવાડા પંથકના ગામોમાં પશુઓનો ગોટફોક વોક્સિન લગાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વેક્સિનેશન બોર્ડરના પશુઓથી શરૂ કરાયું
વેક્સિનના 20 હજાર ડોઝ મળ્યા છે. હાલમાં અલીરાજપુર જિલ્લામાં એક જ કેસ જોવા મળ્યો છે.
પશુઓમાં લમ્પી વાઈરસને ફેલાતો રોકવા માટે ગુજરાત બોર્ડર વિસ્તારમાં વેક્સિનેશનનો પ્રારંભ કરાયો છે.
>ડો.જી.એસ સોલંકી, ઉપસંચાલક, પશુ ચિકિત્સા સેવા
દાહોદ જિલ્લામાં લમ્પીની શું સ્થિતિ
દાહોદ જિલ્લામાં હાલમાં લમ્પી વાઈરસથી પીડિત પશુઓની સંખ્યા 111 છે.
દાહોદ પશુપાલન વિભાગના નાયબ નિયામક કે.એલ ગોસાઇના જણાવ્યા અનુસાર લમ્પી સ્કી ડીસીજ અંતર્ગત અત્યાર સુધી 365 પશુઓને સારવાર આપવામાં આવી છે.
આ સાથે 15063 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
લમ્પી ડીસીઝ અંતર્ગત જિલ્લામાં 51 કેમ્પ પણ કરવામાં આવ્યા છે.