અમદાવાદ મેટ્રો કોર્ટના ભોંયરામાં ગંદકીને લીધે હડતાળની વકીલોની ચીમકી

ઘી કાંટા ખાતે આવેલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટની બિલ્ડિંગના ભોંયરામાં છેલ્લા એક સપ્તાહથી પાણીની પાઇપલાઇન તૂટી જતાં અને ગટર ચોકઅપ થઇ જતાં ગંદુ પાણી ભરાઇ ગયું છે.
જેના કારણે રોગચાળો ફેલાય તેવી વકીલોમાં દહેશત ફેલાઇ છે.
આ સમસ્યા અંગે બાર એસોસિયેશને 15 સપ્ટેમ્બરના રોજ ચીફ મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો હતો.
છતાં કોઇ ઉકેલ નહીં આવતા મંગળવારે બાર એસોસિયેશનના હોદેદારોએ ચીફ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરી જો સમસ્યા તાત્કાલિક નહીં ઉકલે તો ગુરુવારથી વકીલો અચોક્કસ મુદતની હડતાળ પાડશે.
અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, ગંદા પાણીના કારણે સખ્ત દુર્ગંધ અને મચ્છરોના કારણે રોગચાળો ફેલાવાની દહેશત છે.
આ ગંભીર સમસ્યાનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા માટે બારે 15 સપ્ટેમ્બરેના રોજ આ બિલ્ડિંગના વડા તરીકે ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટને લેખિતમાં પત્ર લખીને જાણ કરી હતી.
આ રજૂઆતને એક અઠવાડિયું થઇ ગયું હોવા છતાં ભોંયરામાં ભરાયેલા પાણીનો કોઇ નિકાલ કરવામાં આવ્યો નથી.