આપ-કોંગ્રેસ જ્યાં મજબૂત સ્થિતિમાં છે તેવી 25 બેઠક પર ભાજપ મહિલાઓને ટિકિટ આપી શકે છે

ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે નિવેદન કર્યું છે કે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આ વખતે વધુ મહિલાઓને ટિકિટ આપશે.
મૂળમાં મહિલા ઉમેદવારોના ચહેરા મતદાતાઓને એન્ટિ ઇન્કમ્બન્સી ફેક્ટર ભૂલાવી દેશે તેવો તર્ક ભાજપનો છે.
મહિલાઓની છબિ પ્રમાણમાં પુરુષ નેતાઓ કરતાં મતદાતાના માનસ પર સારી છાપ પાડે છે,
તેથી વર્ષોથી ચીટકી રહેલા પુરુષ નેતાઓને ટિકિટનો ઇનકાર કરવાના ભાગરૂપે તેમની બેઠકો પર મહિલા ઉમેદવારોને ઉતારવામાં આવશે જેથી આંતરિક વિરોધનો પણ હલ મળી રહેશે.
મહિલાઓને સારું એવું પ્રતિનિધિત્વ આપીશું: પાટીલ
ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ કહે છે કે આ વખતે અમે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને સારું એવું પ્રતિનિધિત્વ આપીશું.
લોકસભા ચૂંટણીઓમાં પણ અમે શહેરી વિસ્તારો આવતાં હોય તેવી બેઠકો પર મહિલા ઉમેદવારોને તક આપી છે,
જેમાં વડોદરા, સુરત, જામનગર, ભાવનગર જેવી બેઠકો છે. મહિલાઓ જીતી શકે તેવી બેઠકો પર અમે તેમને પ્રતિનિધિત્વ કરાવીશું.
જીતનું માર્જિન 3000થી ઓછું રહ્યું, તે બેઠકો પર ખાસ નજર
ગઇ વખતે કોંગ્રેસે 77 બેઠકો મેળવી હતી તેમાંથી 11 બેઠકો પર કોંગ્રેસને 3000 કરતાં ઓછાં માર્જિનથી વિજય મળ્યો હતો
જ્યારે ભાજપે મેળવેલી 99 પૈકી 16 બેઠકો પર 3000 કરતં ઓછાં માર્જિનથી જીત મળી હતી.
આમ જ્યાં કોંગ્રેસની જીતનું માર્જિન 3000 કરતાં ઓછું રહ્યું તેવી 11 બેઠકો પર અચૂક ભાજપ મહિલા ઉમેદવારોને જ ચૂંટણી લડાવશે.
શહેરી વિસ્તારોમાં મહિલાઓને લગભગ 50 ટકા બેઠકો ઓફર કરાશે
ભાજપની શહેરી વિસ્તારોમાં પકડ છે અને તેથી આગામી ચૂંટણીમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર,
જૂનાગઢ અને ગાંધીનગર શહેરમાં મહિલાઓને 50 ટકા જેટલી બેઠકો પર ટિકિટ ઓફર કરાઇ શકે છે.
ગઇ ચૂંટણીમાં ભાજપે અમદાવાદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં એકપણ મહિલાને ટિકિટ આપી ન હતી
જ્યારે વડોદરામાં બે તથા ભાવનગર અને સુરતમાં એક-એક મહિલાને ટિકિટ મળી હતી
જ્યાં હવે સારાં એવાં પ્રમાણમાં ટિકિટ મળી શકે છે.
2017ની ચૂંટણીમાં ભાજપની 75 ટકા મહિલા ઉમેદવારો જીતી હતી
ભાજપે ગઈ ચૂંટણીમાં 12 મહિલાઓને ટિકિટ આપી તેમાંથી 9 મહિલા ઉમેદવારોએ જીત મેળવી હતી.
અર્થાત કુલ મહિલા ઉમેદવારોમાંથી 75 ટકા મહિલાઓ વિજયી થઈ હતી.
2017માં અનામત સહિતના સામાજિક આંદોલનોની સામે પણ મહિલાઓને 10 હજાર કરતાં વધુ માર્જિન સાથે સારી જીત મળી હતી.
તેની સામે કોંગ્રેસે 10 મહિલાઓને ટિકિટ આપી જેમાંથી માત્ર 4 ચૂંટાઇને આવી હતી.
ભાજપના નેતાઓ ઘરની મહિલાઓ માટે ટિકિટો માગશે, હાર્દિકે પત્ની માટે માગી
ભાજપ ત્રણ કે તેથી વધુ વખતથી ચૂંટણી લડેલાં અને 65થી વધુ વયના કોઇપણ નેતાને ટિકિટ આપવાના મૂડમાં નથી.
જે નેતાઓને ટિકિટ મળે તેવાં સંજોગો નથી તેઓ હવે પોતાના પરિવારની મહિલા માટે ટિકિટ માગશે. હાર્દિક પટેલે પોતાની પત્ની કિંજલ માટે વિરમગામથી ટિકિટ માગી હોવાના સમાચાર છે.
અગાઉ ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જેલમાં હોઇ ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી તેમના પત્ની ગીતાબાને ટિકિટ મળી હતી
અને તેઓ જીત્યાં જ્યારે 2012ની ચૂંટણી પછી ચોર્યાસીના ધારાસભ્ય રાજા પટેલના અવસાન બાદ પેટાચૂંટણીમાં તેમનાં પુત્રી ઝંખના પટેલને ટિકિટ અપાઇ હતી, જે હાલ પણ ધારાસભ્ય છે.
જીત આસાન છે એવી બેઠકો પર મહિલાઓને ટિકિટ નહીં, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પ્રયોગ શક્ય
બોરસદ, વ્યારા જેવી ક્યારેય નહીં જીતેલી બેઠકો પર મહિલા ઉમેદવારો શક્ય
આપના મજબૂત ચહેરા વિરુદ્ધ ભાજપ મહિલા કાર્ડ રમી શકે છે
અહીં ભાજપ મહિલાઓને ઉતારી શકે છે
બોરસદ : 1962થી આજ સુધી ભાજપ જીતી શક્યો નથી
વ્યારા : અહીં પણ ભાજપ આજ સુધી જીતી શક્યો નથી