અમદાવાદની બાળકીને જર્મનીથી પરત લાવવા જૈન સમાજના સાધુ-સંતોની આગેવાનીમાં રેલી, મોટી સંખ્યામાં લોકો જોડાયા

જર્મનીમાં ગુજરાતી જૈન પરિવારની બાળકી અરિહા ફસાયેલી છે,
જે અંગેના અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.
અમદાવાદના ભાવેશ શાહ અને ધારા શાહની દીકરી અરિહાને ભારત પરત લાવવા તેનાં માતા-પિતાની મદદે હવે સમગ્ર જૈન સમાજના સાધુ-સંતો અને લોકો આવ્યા છે.
વિવિધ બેનરો અને પોસ્ટરો દર્શાવી નારા લગાવ્યા
આજે સવારે જૈન સમાજના સાધુ-સંતોની આગેવાનીમાં જૈન સમાજ દ્વારા સાબરમતી વિસ્તારમાં “અરિહા બચાવો યાત્રા”ના નામે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં જૈન મુનિઓ, વેપારીઓ અને સમાજના પ્રતિષ્ઠિત લોકો જોડાયા હતા.
લોકોએ અરિહાને પરત લાવવા માટેનાં વિવિધ બેનરો અને પોસ્ટરો દર્શાવી નારા લગાવ્યા હતા.
લાના હે, લાના હૈ અરિહા કો વાપસ લાના હૈ ગીત બનાવી અને બાળકીને પરત લાવવાની માગ કરી હતી.
આચાર્ય રત્નસુરીશ્વરજી મહારાજની આગેવાનીમાં રેલી નીકળી
સાબરમતી વિસ્તારમાં જૈન સમાજના સાધુ આચાર્ય રત્નસુરીશ્વરજી મહારાજ સહિતના સાધુ-સંતોની આગેવાનીમાં રેલી નીકળી હતી.
જૈન સમાજનાં પુરુષો અને મહિલાઓ સફેદ વસ્ત્રો પહેરી રેલીમાં જોડાયાં હતાં. સાબરમતીથી અરિહાની બચાવ યાત્રા શરૂ થઈ છે.
આ રેલી ભારત અને જર્મન સરકાર સુધી અવાજ પહોંચડવા માટે યોજાઈ છે.
સાધુ-સંતોએ જણાવ્યું હતું કે આજે એક આંદોલન માતાનાં આંસુ લૂછવા કરી રહ્યાં છીએ.
જે દીકરી નિર્દોષ છે તેને પરત ભારત લાવવા માટે યુવાનો ભેગા થયા છે
તો આ રેલી અટકવી ન જોઈએ. સોશિયલ મીડિયામાં મોબાઈલમાં એક જ ટ્યૂન લાના હૈ, લાના હૈ અરિહા કો વાપસ લાના હૈ હોવી જોઈએ.
અરિહા પરત ન આવે ત્યાં સુધી આ અભિયાન ચાલુ જ રહેવું જોઈએ.
વિશ્વ ગુજરાતી સમાજ સંસ્થા પણ સક્રિય થઈ
આ અંગે વિશ્વ ગુજરાતી સમાજ સંસ્થા પણ સક્રિય થઈ છે.
આ અંગે યુથ વિંગના કન્વિનર પૌરસ પટેલે કહ્યું હતું કે અમે જર્મનીમાં ભારતના એમ્બેસેડરને પત્ર લખીને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે
અને હવે સોશિયલ મીડિયા પર પણ તે અંગે લોકોમાં પ્રચાર શરૂ કર્યો છે.
આ અભિયાન ભરત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ, લેસ્ટર અને લંડનથી પણ ચલાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં વધુ નક્કર પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
પહેલાં મહિનામાં 4 વખત મળતાં, હવે 1 વખત મળે છે
બાળકીનાં માતા ધારા શાહે થોડા દિવસ પહેલાં દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું,
‘પહેલાં અમે મહિનામાં 4 વખત મળી શકતાં હતાં, પણ હવે ફક્ત 1 જ વખત 1 કલાક માટે મળવા દેવામાં આવે છે.
અગાઉ બાળકના ચહેરા પર જે ચાર્મ હતો અને રોનક હતી, એ હવે અમને નથી દેખાતાં. તેના મોં પરથી દેખાય છે કે તેને ખ્યાલ છે કે તેની સાથે કંઈક તો અજુગતું થઈ રહ્યું છે,
પણ શું એ એને સમજ પડતી નથી. અમને મળે ત્યારે તે ખીલી ઊઠે છે. અમને વળગી પડે છે.
અમારી સાથે રમવામાં, વાતો કરવામાં તેને બહુ મજા આવે છે. એક કલાક તો ક્યાં જતો રહે છે
એની કંઈ જ ખબર પડતી નથી. અમે જે જમવાનું લઈ જઈએ છીએ એ ખૂબ જ પ્રેમથી ખાય છે.
એ અમારા બે પાસે જ રહે છે. તેને પાછું જવું ગમતું નથી. ફોસ્ટર મધર પાસે જતી જ નથી.
અમારા પગ પકડીને ઊભી રહી જાય છે. જાણે કહેતી હોય કે ‘મારે નથી જવું મમ્મી.’ મહિને એક વખત મળે છે તો પણ ઓળખી જાય છે
કે આ મારાં મા-બાપ છે. એવું ફીલ થાય છે કે આખો મહિનો બિચારી પ્રેમ અને હૂંફ શોધે છે,
પરંતુ એ ત્યારે તેને મળે છે, જ્યારે અમે તેને મળીએ છીએ.’
શું છે આ ઘટના?
સોફ્ટવેર એન્જિનિયર ભાવેશ શાહ તેમની પત્ની ધારા સાથે ઓગસ્ટ 2018માં બર્લિનમાં સ્થાયી થયા હતા.
દરમિયાન ફેબ્રુઆરી 2021માં તેમને ત્યાં દીકરી અરિહાનો જન્મ થયો હતો.
વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં એક દિવસ તેની નેપીમાં લોહી દેખાતાં તેમણે ડૉક્ટરને બતાવ્યું હતું.
પછી અમુક દિવસો બાદ તેઓ અરિહાને ફરી ડૉક્ટર પાસે લઈ ગયા
ત્યારે ડોક્ટરે ચાઇલ્ડ સર્વિસને બોલાવી અરિહાને તેમને સોંપી દીધી હતી.
ત્યારથી જૈન દંપતી વિદેશની ધરતી પર પોતાની બાળકીને પરત લાવવા માટે છેલ્લા 12 મહિનાથી લડત લડી રહ્યું છે.
કસ્ટડી બેટલ ફાઇટ કરી રહ્યું છે.
અત્યાર સુધી ત્રણ વાર હિયરિંગ થયું છે.