બગોદરાના હોમ ગાર્ડ જવાનના બાઇકને કારે ટક્કર મારતાં ઇજા
બાવળાના મીઠાપુરના હોમગાર્ડ જવાન બાઇક લઇને નોકરી ઉપર જઈ રહ્યા હતાં,
ત્યારે અજાણી ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને બાઇકને પાછળના ભાગે ટક્કર મારતાં માથાના ભાગે ઇજા થતાં
અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.બગોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
બાવળાના મીઠાપુરમાં રહેતાં દેવેન્દ્રભાઇ લાલજીભાઇ જમોડ બગોદરા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે માનદ સેવા આપે છે.
તે રાત્રે બગોદરા પોલીસ સ્ટેશનમાં બાઇક લઇને નાઇટ ડ્યુટી માટે ગયા હતા.
હોમગાર્ડના સભ્યોને પોતાના નાઇટ ડ્યુટીના પોઇન્ટની વહેંચણી કરતાં તે બાઇક લઇને જનસાળી ગામના પાટીયા પાસે પોતાનાં પોઇન્ટ ઉપર જવા નીકળ્યા હતાં.
બગોદરા ટોલટેક્સ નજીક આવેલી સ્ટીલ કંપની પાસેથી પસાર થઈ રહ્યા હતાં
ત્યારે પાછળથી 1 કારના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઇક સાથે ફંગોળાઇ રોડ ઉપર પડતાં માથાનાં ભાગે ઇજા થઇ હતી.
108ને ફોન કરતાં બગોદરાની 108 તરત જ ઘટના સ્થળે પહોંચી જઇને બગોદરા સી.એચ.સીમાં લાવતાં ત્યાં પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પીટલ અમદાવાદ લઇ જઇ દાખલ કરવામાં આવ્યા હતા.
ગાડી ચાલક ગાડી લઈને ભાગી ગયો હતો.