શહેરમાં ત્રણ અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ, સયાજીગંજમાં વાહન ચોરી અને મારામારી

શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર વિજયભાઇ હરમાનભાઇ ચાવડા (રહે. દુમાડ ગામ, વડોદરા)ને દુમાડ ચોકડી બ્રિજ ઉતરતા ક્રેટા ગાડીએ ટક્કર મારી હતી.
જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિજય ચાવડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
આ મામલે સમા પોલીસે કાર ચાલક ઓમદેવસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા (રહે. મંગલમ ડુપ્લેક્ષ, સમા તળાવા પાસે, વડોદરા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
રોડ ઓળંગતા વ્યક્તિને બાઇકે ટક્કર મારી
દરજીપુરા એરફોર્સ બ્રીજ સર્વિસ રોડ પર ડ્રાયવર પ્રકાશ શશીકાંત ડોકે ચાલતા રોડ ક્રોસ કરતો હતો.
આ દરમિયાન બાઇક ચાલક ટક્કર મારતા તેને પગે ઇજાઓ થઇ હતી.
આ મામલે બાઇક સવાર સામે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.
હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ ગોલ્ડન ચોકડી નજીક એક્ટિવા પર જઇ રહેલા મોહંમદ અસમખાન પઠાણને અજાણઅયા કાર ચાલકે ટક્કર મારી હતી.
જેમને બનાવમા સામાન્ય ઇજાઓ થઇ હતી. આ મામલે કાર ચાલક સામે ગુનો દાખલ કરાયો છે.
સયાજીગંજમાં વાહનચોરી
તાંદલજા વિસ્તારમાં રહેતા મોહંમદ ઇમરાન મન્સૂરીએ પાણીપૂરી ખાવા માટે ડેરી ડેન સર્કલ પાસે એક્ટિવા પાર્ક કરીને ગયા હતા.
જો કે પાછા ફરતા એક્ટિવા ચોરાઇ ગયું હતું.
જે અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ઉછીના રૂપિયા ન આપતા બ્લેડથી હુમલો
શહેરના સાયજીગંજમાં નટરાજ ટાઉનશીપ સામે ફૂટપાથ પર રહેતો અને ભંગાર વીણવાનું કામ કરતો દિપક ઇશ્વરભાઇ વસાવા નજીકમાં કચરો વીણી રહ્યો હતો.
આ દરમિયાન વિનોદ નામનો તેનો મિત્ર ત્યાં આવ્યો હતો અને ઉછીના રૂપિયા માંગ્યા હતા.
જો કે દિપકે રૂપિયા નથી તેમ કહેતા વિનોદે તેના પર બ્લેડથી હુમલો કરી દીધો હતો.
સામે દિપકે પણ વિનોદને માર માર્યો હતો.
જેથી લોહી લુહાણ હાલતમાં દિપક અને વિનોદને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાંથી વિનોદ સારવાર કરાવી જતો રહ્યો હતો.
આ મામલે દિપકે વિનોદ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.