વડોદરામાં વેપારીની કારનો કાચ તોડી ત્રણ લાખ રૂપિયા ભરેલી બેગ ચોરાઇ

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા વેપારી છાણી જકાતાનાકા પાસે બની રહેલ હોટલની કામગીરી જોઇ બહાર આવતા
તેમની કારનો કાચ તોડી કોઇ ત્રણ લાખ રૂપિયા ભરેલી બેગ ચોરી ગયાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા અશનવી પ્રવીણભાઇ પટેલ કે જેઓ હાલ વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર સાસુમા ગુજરાતી થાળી નામે હોટલ ધરાવે છે
તેઓ ગઇકાલે છાણી જકાનાકા ગયા હતા. જ્યાં પણ તેઓ સાસુમા ગુજરાતી થાળી નામે નવી બ્રાંચ શરૂ કરી રહ્યા હતા.
દરમિયાન હોટલમાં કેવી કામગીરી ચાલી રહી છે તેઓ અંદર ગયા હતા
અને કાર પાર્થ કોમ્પલેક્ષ સામે રોડ પર પાર્ક કરી હતી. તેઓ થોડીવાર બાદ પરત આવતા જોયું તો તેમની કારનો પાછળનો જમણી બાજુનો કાચ તૂટેલો હતો.
જેથી તેમણે કારમાં પાછળની સીટ પર મુકેલ બેગ શોધતા તેમને જણાયું હતું કે તેમની 3 લાખ રૂપિયા ભરેલી બેગ ચોરાઇ ગઇ છે.
આ મામલે વેપારીએ ફતેગંજ પોલીસમાં કારમાંથી ત્રણ લાખ રૂપિયા ચોરાયાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આજુબાજુમાં સીસીટીવી અને બાતમીદોરને કામે લગાવી તપાસ શરૂ કરી છે.
