દાહોદમાં વીજ થાંભલે બોર્ડ લગાવવા ચડેલા બે યુવકોને વીજકરંટ લાગતાં એકનુ મોત,એક ઈજાગ્રસ્ત

દાહોદ શહેરમાં આવેલા સ્મશાન રોડ તરફ બે વ્યક્તિઓ વીજ થાંભલાની આસપાસ બોર્ડ બાંધવા ચડ્યાં હતાં.
ત્યારે કરંટ લાગતાં બે પૈકી એકનું મોત નીપજ્યુ હતુ.
જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત અન્ય એક યુવકને દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજરોજ તારીખ 12 સપ્ટેમ્બર ના રોજ દાહોદ શહેરના જુના વણકરવાસ વિસ્તારમાં રહેતાં 26 વર્ષીય મીયાનુદ્દીન કયુમભાઈ લુહાર અને તેમની સાથે શાહરૂખભાઈ ડાબીયાલ એમ બંન્ને જણા સ્મશાન રોડ ખાતે આવેલા વીજ થાંભલાની આસપાસ બોર્ડ બાંધવા ચઢ્યાં હતાં.
ત્યારે નજીકમાં આવેલા વીજ ડીપીમાંથી સખ્ત કરંટ પસાર થતાં બંન્ને યુવકોને પણ વીજ કરંટ લાગ્યો હતો.
જેથી થાંભલા પરથી બંન્ને યુવકો નીચે પછડાયા હતાં.જેને પગલે 26 વર્ષીય મીયાનુદ્દીન લુહારનું મોત નીપજ્યું હતું.
જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત શાહરૂખભાઈને પરિવારજનો દ્વારા દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
વરસાદી માહોલમા કરંટ ઉતરવાની ખામીઓ દુર કરવી જરુરી
ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં.
મૃતક મીયાનુદ્દીન લુહારના મોતને પગલે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.
હાલમા વરસાદી માહોલ ચાલી રહ્યો છે
ત્યારે એમજીવીસીએલ દ્વારા આખાયે શહેરમા કોઈ પણ ઠેકાણે આવી વીજ કરંટ ઉતરવાની ખામીઓ સર્જાઈ હોય
તો તેની તપાસ કરી તે તાત્કાલિક દુર કરવી જોઈએ.