હિલગાર્ડનમાં ઝાડ પર ફાંસો ખાઇ યુવતીનો આપઘાત

માંડવી તાલુકાના મોટા આસંબીયા ગામે રહેતી 19 વર્ષીય યુવતી કોઇને કહ્યા વીના શુક્રવારે રાત્રે ઘરેથી નીકળી ગઇ હતી.
દરમિયાન શનિવારે બપોરે ભુજ હિલગાર્ડનમાં ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
એ ડિવિઝન પોલીસે આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોટા આસંબીયા ગામે રહેતી 19 વર્ષની કમળાબેન ધરમશીભાઇ મહેશ્વરી નામની યુવતી શુક્રવારે રાત્રીના ભાગે અચાનક ગુમ થઇ ગઇ હતી.
બીજી તરફ હતભાગી યુવતીના ભાઇને તાવની બીમારીને કારણે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાથી
મૃતક યુવતીના પિતા ભુજ જી.કે.માં પુત્ર પાસે હતા. દરમિયાન કમળાબેન ઘરેથી ગુમ થઇ ગઇ હોવા અંગે ધરમશીભાઇને તેના ભાઇએ જાણ કરી હતી.
જેથી યુવતીના પિતાને ભુજથી મોટા આસંબીયા બોલાવીને સૌ પરિવારજનો કમળાબેનની શોધખોળ માટે લાગી ગયા હતા.
શોધખોળને અંતે શનિવારે માંડવી પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવવા જતા હતા.
તે દરમિયાન ભુજ એ ડિવિઝન પોલીસે કમળાબેનના પિતાને જાણ કરી હતી. કે, તમારી દિકરીએ બપોરના અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં ભુજના હિલગાર્ડનમાં આવેલા ઝાડ પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે.
જેથી તાત્કાલીક મૃતક યુવતીના પરિવારજનો ભુજ આવી જતાં પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
એ ડિવિઝન પોલીસને ઘટના સબંધિત હિલગાર્ડનમાં રહેલા વ્યક્તિએ જાણ કરી હતી.
પોલીસને સ્થળ પરથી મૃતક યુવતી પાસે રહેલા આધાર કાર્ડ સહિતના કાગળો મળી આવતાં પોલીસે મોટા આસંબીયા રહેતા મૃતકના પરિવારજનોએ જાણ કરી હતી.
હાલ યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી લીધી છે.
તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.